[og_img]
- કિલોના માત્ર સાડા સાત રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ
- સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ
- લસણના પોષણક્ષમ ભાવ આપવા માંગ
ગાંધીનગરમાં લાભ પાંચમે લસણ પકવતા ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કરી લસણના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. પડતર કરતા પણ ઓછો ભાવ મળતા ખેડૂતોએ આજે લસણનું ગરીબોને મફત વિતરણ કર્યુ હતું. ખેડૂતોનો આરોપ છેકે, અત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર સાડા સાત રૂપિયાનો ભાવ મળે છે.
ગુજરાત કિસાન સંઘના નેજા હેઠળ લસણ પકવતા ખેડૂતો આજે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. તેઓએ સમગ્ર દિવસ દરમિયાન ચાર ટન જેટલુ લસણ ગરીબોને મફત વહેંચ્યુ હતુ.ં લસણ લેવા માટે ગરીબોની લાંબી લાઇનો લાગી હતી. આ મામલે ખેડૂત આગેવાનોનું જણાવવુ હતુકે, આ વખતે લસણના ખુબજ નીચા ભાવ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, સૌરાષ્ટ્રમાં લસણનું મોટાપાયે વાવેતર થયુ છે. ખેડૂતોને એક એકર જમીનમાં લસણનો સરેરાશ દોઢસો મણ ઉતારો આવે છે. જ્યારે ખર્ચો 33 હજાર જેટલો થાય છે. આ વખતે લસણના એક મણનો દોઢસો રૂપિયા ભાવ મળી રહ્યો છે. જે પડતર ખર્ચો કરતા પણ નીચો છે. એટલેકે,મહામહેનતે લસણ પકવવા છતા તેનો પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતો નથી.
ઉપરોક્ત ભાવ પ્રમાણે વેપારીઓ ખેડૂતો પાસેથી સાડા સાતથી આઠ રૂપિયે કિલો લસણ પડાવે છે. જ્યારે રિટેઇલ માર્કેટમાં ઉંચાભાવે લસણ વેચવામાં આવી રહ્યુ છે. ખેડૂતોએ લસણના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે. આગામી દિવસોમાં અન્ય જણસોના પોષણક્ષણ ભાવો નહી મળે તો તેને પણ ગરીબોને મફત વિતરણ કરવાની ચીમકી આપવામાં આવી છે.