ગાંધીનગરના સાત શહેરી ગામોના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ

[og_img]

  • ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવેશ થયાને 58 વર્ષ પછી પણ કોઈ લાભ નહી
  • ગ્રામપંચાયતો નાબુદ થતાં ગામતળથી લઈને સરકારની એકપણ આવાસ યોજનાનો કોઈ લાભ ના મળ્યો
  • સરકારના હકારાત્મક નિર્ણયમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા કાર્યવાહીમાં વિલંબ કરાતો હોવાનો આક્ષેપ

ગાંધીનગર શહેરની રચના માટે ઈન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, ફતેપુરા, આદિવાડા, પાલજ અને બાસણ ગામોની જમીન સંપાદન થયા બાદ આ સાત ગામોને શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. પરંતુ 58 વર્ષ પછી પણ આ ગામોના એકપણ પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો. સરકાર સાથે હકારાત્મક ચર્ચા થઈ, પણ માર્ગ-મકાન વિભાગની વિલંબભરી નિતીના કારણે કોઈ નિવેડો નહી આવતાં આજથી આ સાત ગામના ગ્રામજનો દ્વારા ઈન્દ્રોડા ખાતે ધરણા અને પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ થયા છે. આજે સવાસો લોકોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. સરકારની સૂચનાનું પણ તંત્ર દ્વારા પાલન કરવામાં નથી આવ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહામૂલી જમીન ગૂમાવી, સાથે આજીવિકા પણ ગૂમાવી

ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સાત ગામોની જમીન સંપાદન થવાથી તેમનો સમાવેશ ગાંધીનગર શહેર વિસ્તારમાં કરવામાં આવતાં ગ્રામપંચાયતોનો વિલય થયો. ગ્રામપંચાયતો નાબુદ થવાથી ગામતળમાં વધારો ના થયો. મહામંડળનું કહેવું છે કે, જો પંચાયતો હોત તો અત્યારસુધી ત્રણથી ચાર વખત ગામતળમાં વધારો થઈ શક્યો હોત. તેમજ સરકારની વિવિધ આવાસ યોજનાઓનો લાભ પણ મેળવી શકાયો હોત. પરંતુ શહેર વિસ્તારમાં સમાવેશ કરવાના કારણે અત્યારસુધી કોઈપણ આવાસ યોજનાનો લાભ આ ગામોને મળ્યો નથી. અત્યારસુધીમાં આ ગામોમાં ત્રણથી ચાર પેઢી બદલાઈ ગઈ. જનસંખ્યામાં પણ ત્રણથી ચાર ગણો વધારો થતાં ના છૂટકે ગ્રામજનોને ગામ નજીકની સરકારી જમીનમાં કાચા-પાકા આવાસો બનાવવાની ફરજ પડી છે.

વર્ષો પછી પણ અસરગ્રસ્ત ખેડુતો દયનીય સ્થિતીમાં હોવાનો આક્રોશ

જમીન સંપાદન થવાથી જમીન સાથે સંકળાયેલી અન્ય આજીવિકા પણ છીનવાઈ ગઈ. આ સાત ગામના ગ્રામજનો આજેપણ દયનીય પરિસ્થિતીમાં જીવી રહ્યા છે. મહામંડળ દ્વારા 2018થી આ વર્ષો જૂના પ્રશ્નો સંદર્ભે સરકારમાં રજુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ખૂદ હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને જે તે પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત તમામ વિભાગો પાસેથી માહિતી મેળવી ઘટતી કાર્યવાહી કરવા માર્ગ-મકાન વિભાગને સૂચના આપવામાં આવી હતી. વિભાગોએ માહિતી પણ મોકલી આપી છે, પરંતુ વિભાગ હવે વિલંબ કરી રહ્યું છે તેવો આક્ષેપ મહામંડળે કરતાં કહ્યું કે, ગ્રામજનોમાં આ કારણોસર નારાજગી પ્રવર્તી છે અને આથી આજથી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ઈન્દ્રોડા ખાતે જ સાતેય ગામના લોકોએ ધરણા શરૂ કર્યા છે.

આજે પ્રથમ દિવસે સ્ત્રી-પુરુષ મળી સવાસો લોકો પ્રતિક ઉપવાસમાં બેઠા હતા. આંદોલન અંગે અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. મહામંડળના જણાવ્યાનુસાર અન્ય શહેરોમાં ગેરકાયદે બાંધકામોને 2016માં નિયમિત કરી આપવામાં આવ્યા છે તો ગાંધીનગરના આ સાત શહેરી ગામોને શા માટે અન્યાય કરાય રહ્યો છે. આ સાત ગામોમાં પણ અનિયમિત બાંધકામ નિયમિત કરી આપવા તથા આવાસ યોજનાનો લાભ આપવા, શહેર સમકક્ષ સુવિધા આપવા સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે.