મોરબી દૂર્ઘટના મામલે કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાનું નિવેદન, કહ્યુ 'રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી, નિષ્કર્ષ આવશે તેના આધારે પગલાં લેવાશે'

કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાએ (Brijesh Merja) મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, મોરબીની આ ત્રીજી વખત કસોટી થઈ રહી છે. જળ હોનારત, ભૂકંપ બાદ આ ત્રીજી મોટી દુર્ઘટના મોરબીમાં સર્જાઇ છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ઑક્ટો 31, 2022 | 9:32 AM

મોરબીમાં રાજાશાહી સમયનો ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમા અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાએ નિવેદન આપ્યુ છે. બ્રિજેશ મેરજાએ જણાવ્યુ કે રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી છે. તપાસમાં જે નિષ્કર્ષ આવશે તેના આધારે પગલાં લેવાશે.

કેબિનેટ પ્રધાન બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, મોરબીની આ ત્રીજી વખત કસોટી થઈ રહી છે. જળ હોનારત, ભૂકંપ બાદ આ ત્રીજી મોટી દુર્ઘટના મોરબીમાં સર્જાઇ છે. આ ઘટના બાદ આખી રાત મોરબીવાસીઓ ઊંઘી શક્યા નથી. ઘટનામાં વહીવટી તંત્ર અને સરકારે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. પૂરી શ્રદ્ધા છે કે આ ઘા પણ રુઝાઈ જશે. મોરબીની પ્રજાએ ધૈર્ય રાખ્યું અને સહયોગ આપ્યો છે.

મહત્વનું છે કે દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા છે. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. તો બ્રિજ તૂટતા અમદાવાદથી ફાયરની ટીમ મોરબી જવા રવાના થઈ છે. મોરબીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ઇજાગ્રસ્તો માટે વોર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો, ડોકટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.


أحدث أقدم