[og_img]
- ભારત-પાકિસ્તાન મેચને લઇ ‘ધ રોક’ પણ ઉત્સાહિત
- WWE સુપરસ્ટાર ‘ધ રોક’નો વીડિયો થયો વાયરલ
- ‘ધ રોક’ ડ્વેન જોન્સને ભારત-પાકિસ્તાન મેચનું પ્રમોશન કર્યું
હોલીવુડ સ્ટારે સોશિયલ મીડિયા પર T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે (23 ઓક્ટોબર) ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો પ્રચાર કર્યો હતો. ડ્વેન જ્હોન્સન, જે WWE દરમિયાન ‘ધ રોક’ તરીકે પ્રખ્યાત છે, તેણે તેની નવી એક્શન ફિલ્મ ‘બ્લેક એડમ’ના પ્રમોશનના ભાગરૂપે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનું પ્રમોશન પણ કર્યું.
ભારત-પાકિસ્તાન મેચને લઇ ‘ધ રોક’ ઉત્સાહિત
હોલીવુડના સુપરસ્ટાર ડ્વેન જોન્સને ઓસ્ટ્રેલિયામાં ICC T20 વર્લ્ડકપ 2022માં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 23મી ઓક્ટોબરે સુપર 12 રાઉન્ડમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ વર્ષની શરૂઆતમાં એશિયા કપ 2022માં ભારત-પાકિસ્તાનનો બે વખત સામનો થયો હતો. રોહિત શર્મા એન્ડ કંપનીએ પ્રથમ મેચ જીતી હતી, પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ડ્વેન જોન્સને ભારત-પાકિસ્તાન મુકાબલાની વાત કરી
ડ્વેન જોન્સને તેની આગામી સુપરહીરો ફિલ્મ ‘બ્લેક એડમ’ના પ્રચાર માટે T20 વર્લ્ડકપના પ્રસારણકર્તાઓ સાથે સહયોગ કર્યો. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલ પ્રોમોમાં હોલિવૂડ આઇકને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે વાત કરી હતી.
20 ઓક્ટોબરે ‘બ્લેક એડમ’ ભારતમાં રિલીઝ થશે
તેણે પ્રોમોમાં કહ્યું, “જ્યારે સૌથી મોટા હરીફો ટકરાશે, ત્યારે દુનિયા થંભી જશે. આ માત્ર ક્રિકેટ મેચ નથી, તે તેનાથી પણ ઘણું વધારે છે. આ ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સમય છે.” જ્હોન્સનની આગામી ફિલ્મ ‘બ્લેક એડમ’ ડીસી કોમિક પાત્ર પર આધારિત છે અને આ વર્ષે 20 ઓક્ટોબરે ભારતમાં રિલીઝ થશે.
મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) મેચના દિવસે હાઉસફુલ થઈ જશે, કારણ કે 23 ઓક્ટોબરની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. 1,00,024ની બેઠક ક્ષમતા સાથે, MCGએ ભારતના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ પછી વિશ્વનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચુક્યો છે કે તેણે પાકિસ્તાન સામે પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી લીધી છે. તેણે ખુલાસો કર્યો હતો કે તે છેલ્લી ઘડીના નિર્ણયોમાં વિશ્વાસ નથી રાખતો અને ઈચ્છે છે કે તેના ખેલાડીઓ સ્પર્ધા માટે વહેલી તૈયારી શરૂ કરે.