દિવાળીની પૂર્વસંધ્યાએ ફટાકડા, કાપડ અને મીઠાઇની દુકાનો પર ખરીદી માટે ભીડ જામી

[og_img]

  • મોડી રાત સુધી દુકાનો અને શો-રૂમ પર ખરીદી ચાલુ રહી
  • કરોડો રૂપિયોના વેપાર થતા વેપારીઓમાં ખુશીનો માહોલ
  • બે વર્ષના વિરામ બાદ આ વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણી

દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે ફટાકડા, મીઠાઇ અને કાપડની દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. સવારથી શરૂ થયેલી ખરીદી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ભાગળ, ચૌટાપુલ સહિત કેટલાક બજારમાં તો પગ મૂકવા માટે પણ જગ્યા મળતી ન હતી. રવિવારે એક જ દિવસમાં લોકોએ કરોડો રૂપિયાની ખરીદી કરી હતી.

છેલ્લા દિવસે ફટાકડાની દુકાનો પર માનવ મહેરામણ

કોરોના પછી ચાલુ વર્ષે દિવાળીની રોનક બજારમાં જોવા મળી હતી. દિવાળી તહેવારને લઇ છેલ્લા એક અઠવાડિયાથી ગારમેન્ટ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, જ્વેલરી, શૂઝ, મીઠાઇ સહિતના શો-રૂમ અને ફટાકડાની ખરીદી લોકો કરી રહ્યા છે. શનિવારે મોટાભાગની ઓફિસો અને કારખાનાઓમાં દિવાળીનું વેકેશન શરૂ થઇ જતા રવિવારે તમામ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. જે દિવાળીના એક દિવસ પહેલા સુધી યથાવત રહી હતી. રવિવારે સવારથી જ ફટાકડા, મીઠાઇ, શૂઝ અને કાપડની દુકાનો અને શો-રૂમમાં લોકોની ભીડ જામી હતી. ખરીદી માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. સાંજે તો બજારમાં રોડ પર પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ફટાકડાની દુકાનો પર તો માનવ મહેરામણ જોવા મળ્યું હતું.

ફટાકડાના ભાવમાં વધારો છતાં ગ્રાહકોનો ઉત્સાહ અકબંધ

આ વર્ષે ફટાકડાની શોર્ટેજના લીધે કિંમતમાં 40 ટકાનો વધારો થયો હોવા છતાંય દુકાનો પર ગ્રાહકોનો ઉત્સાહ જોવા જેવો હતો. લોકોએ કરોડો રૂપિયાના ફટાકડાની ખરીદી કરી હતી. રેડીમેડ કાપડ અને ગારમેન્ટની દુકાનોમાં મહિલા, પુરુષો, બાળકોની ભીડ હતી. લોકોને ખરીદી કરવા માટે દુકાનોમાં 2 થી 3 કલાક સુધી રાહ જોવી પડી હતી. મીઠાઇની દુકાનોમાં પણ ઘરાકી સારી રહી હતી. કાજુ-કતરી, કલાકંદ, લાડુ, ઘેબર, રસમલાઇ સહિત તમામ મીઠાઇનું વેચાણ મોટા પાયે થયું હતું. કેટલીક દુકાનો પર તો સાંજે સ્ટોક ખાલી થઇ ગયો હતો. ધનતેરસનું મુહૂર્ત બીજા દિવસે પણ હોવાથી જ્વેલરીની ખરીદી પણ લોકોએ કરી હતી. દિવાળીની પૂર્વસંધ્યાએ બજારમાં કરોડો રૂપિયાની ખરીદી લોકોએ કરી લીધી હતી.

Previous Post Next Post