અટલાદરા અને ગોત્રીમાં જનસેવા કેન્દ્રોનો પ્રારંભ કરાયો
[og_img]
- પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે કરાવ્યો 2 જનસેવા કેન્દ્રનો પ્રારંભ
- વડોદરા શહેરમાં એક સાથે શરૂ કરાશે 11 નવા જનસેવા કેન્દ્રો
- વડોદરામાં 11 સ્થળોએ સોમવારથી શરૂ થશે જન સેવા કેન્દ્ર
નાગરિકોની જરૂરિયાતોને ધ્યાને લઈ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોનું મોટા પાયે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં બીજા નવા 11 જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તે પૈકી અટલાદરા અને ગોત્રી ખાતે બનાવવામાં આવેલા કુલ બે જનસેવા કેન્દ્રોનો સામાજિક ન્યાય અને અધિકારીતા તથા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે પ્રારંભ કરાવ્યો છે.
વડોદરા શહેરમાં હાલમાં નર્મદા ભવન સહિત કુલ ચાર જનસેવા કેન્દ્રો કાર્યરત છે. તેમાં માસાંતે એકંદરે કુલ ૬૦ હજાર જેટલી અરજીઓ મળતી હતી. જેમાં રાશનકાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, જાતિ અને લઘુમતીના દાખલાઓની અરજી મુખ્ય હતી. આ ચાર જનસેવા કેન્દ્રોમાં પ્રતિદિન અંદાજે બે હજાર અરજદારો મુલાકાત લેતા હોવાથી પ્રમાણપત્રો અને દાખલા કઢાવવા માટે લાઇનો લાગતી હતી.
ખાસ કરીને, નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના તબક્કામાં આ ચારેય જનસેવા કેન્દ્રોમાં તો રીતસરની લાંબી કતારો લાગતી હતી. આવી સમસ્યાને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોરે જનસેવા કેન્દ્રોનું મોટા પાયે વિકેન્દ્રીકરણ કરી નવા વિસ્તારોમાં રહેતા નાગરિકોની વધુ નજીક લઇ જવાનો નિર્ણય કર્યો હતો. તેના ભાગરૂપે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા કુલ 11 જનસેવા કેન્દ્રો ખોલવામાં આવનાર છે.
આ નવા 11 જનસેવા કેન્દ્રો પૈકી અટલાદરા અને ગોત્રીમાં તલાટી કચેરીમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી ત્યાં ઉક્ત સેવાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે રિબિન કાપીને આ બન્ને જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અરજદારોને વિવિધ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
બાકીના જનસેવા કેન્દ્રો કલાલી, તરસાલી, કપૂરાઇ, બાપોદ, હરણી, નિઝામપૂરા, કરોડિયા, ભાયલી અને સેવાસી ખાતે તલાટી કચેરીમાં આગામી સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. ત્યાં વિધવા સહાય, ડોમિસાઇલ, આવકના દાખલા, જાતિ અને લઘુમતીના દાખલા સહિતની સેવાઓ મળશે. આ વેળાએ ધારાસભ્ય સીમા મોહિલે, કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Post a Comment