Dhanteras: માત્ર દેવી લક્ષ્મીની જ નહીં, ધનતેરસે તો આ દેવતાઓની પૂજાનો પણ છે મહિમા !

ધનતેરસે (dhanteras) લક્ષ્મીપૂજન સમયે ચાંદીના સિક્કા અને કોડીઓની પણ પૂજા કરો. આ સમયે ભૂલ્યા વિના તેના પર કેસર મિશ્રિત હળદરનું તિલક કરો. ત્યારબાદ આ બંન્ને વસ્તુઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધી ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થિર થઈ જશે.

Dhanteras: માત્ર દેવી લક્ષ્મીની જ નહીં, ધનતેરસે તો આ દેવતાઓની પૂજાનો પણ છે મહિમા !

દેવી લક્ષ્મી (પ્રતિકાત્મક છબી)

ધનતેરસનો (dhanteras) દિવસ એ દિવાળીના (Diwali 2022) દિવસોમાં સવિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, તે દેવી લક્ષ્મીનો (goddess lakshmi) પ્રાગટ્ય દિવસ મનાય છે અને સાથે જ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ પણ. અલબત્, આ દિવસે માત્ર દેવી લક્ષ્મીની જ પૂજાનું વિધાન નથી. આ દિવસ એ ધન્વંતરિ દેવતા, કુબેર દેવતા તેમજ યમદેવતાની કૃપાને પણ પ્રાપ્ત કરાવનારો છે. ત્યારે આવો, જાણીએ કે કયા વિશેષ ઉપાયો થકી આપણને તેમની કૃપા પ્રાપ્ત થઈ શકે.

માતા લક્ષ્મીની પ્રસન્નતા

એક માન્યતા અનુસાર એ ધનતેરસની જ તિથિ હતી કે જે દિવસે દેવી લક્ષ્મીનું સમુદ્રમંથનમાંથી પ્રાગટ્ય થયું હતું. એટલે કે આ દિવસ એ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ છે. આ દિવસે માતા લક્ષ્મીની તો પૂજા થાય જ છે. સાથે જ તેમની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરવા ચાંદીના સિક્કા, કોડીઓ તેમજ દક્ષિણાવર્તી શંખની પૂજાનું પણ શાસ્ત્રોમાં વિધાન છે. જો આપની મનશા ધન-વૈભવમાં વૃદ્ધિની હોય તો ધનતેરસે એક ખાસ પ્રયોગ કરો. લક્ષ્મીપૂજન સમયે ચાંદીના સિક્કા અને કોડીઓની પણ પૂજા કરો. આ સમયે ભૂલ્યા વિના તેના પર કેસર મિશ્રિત હળદરનું તિલક કરો. ત્યારબાદ આ બંન્ને વસ્તુઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધી ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થિર થશે. સાથે જ ધન-વૈભવમાં વૃદ્ધિ થશે.

લાલ દોરાની વાટનો દીવો !

ધનતેરસના દિવસે પૂજામાં લીધેલ દીવામાં રૂની વાટના બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપની આર્થિક સમસ્યાઓને દૂર કરી દે છે.

કુબેરયંત્રની પૂજા

ધનતેરસ એ માત્ર માતા લક્ષ્મી જ નહીં, પણ કુબેર દેવતાની કૃપાને પ્રાપ્ત કરવાનો પણ અવસર છે. ધનતેરસે કુબેર યંત્રની પૂજાનું મહત્વ છે. એટલે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ઘર કે ધંધાના સ્થાન પર કુબેર યંત્રની સ્થાપના કરવી જોઇએ. કુબેર યંત્રની સ્થાપના પછી તેની પૂજા કરવી જોઇએ. પૂજા પૂર્ણ થાય પછી કુબેર યંત્રને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું. માન્યતા તો એવી છે કે ધનતેરસના દિવસે આ રીતે કુબેર યંત્રની પૂજા અને સ્થાપના કરવાથી માતા લક્ષ્મીની સાથે કુબેર દેવતાના પણ વિશેષ આશીર્વાદ મળે છે. સાથે જ આપની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે.

ધન્વંતરિની પૂજા

ભગવાન ધન્વંતરિ એ શ્રીહરિ વિષ્ણુના 24 અવતારોમાંથી જ એક મનાય છે. માન્યતા અનુસાર તેમનું પ્રાગટ્ય પણ ધનતેરસની તિથિએ જ સમુદ્રમંથનમાંથી થયું હતું. હાથમાં અમૃત કળશ ધારણ કરનારા ધન્વંતરિ દેવ આરોગ્યનું સુખ પ્રદાન કરવાવાળા છે. એટલે ધનતેરસે ભગવાન ધન્વંતરિની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો ઘરમાં તેમની તસવીર ન હોય તો પણ તમે સ્મરણ કરીને તેમને વંદન કરી શકો છો. કહે છે કે ધનતેરસે ધન્વંતરિ દેવના પૂજનથી વ્યક્તિને વિવિધ રોગોથી છૂટકારો મળે છે. અને આરોગ્ય સુખાકારીની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

أحدث أقدم