Gandhinagar: સરકારે વિવિધ માગણીઓને પુરી કરવાની સંમતિ દર્શાવતા અંતે આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઇ | Gandhinagar The health workers strike finally ended after the government agreed to meet various demands

પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ (Health workers) ઘણા સમયથી હડતાળ પર હતા. ગ્રેડ પે (Grade Pay)સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. જો કે સરકારે તેમની માગણીઓ હવે સ્વીકારી લીધી છે.

Gandhinagar: સરકારે વિવિધ માગણીઓને પુરી કરવાની સંમતિ દર્શાવતા અંતે આરોગ્યકર્મીઓની હડતાળ સમેટાઇ

સરકારે આરોગ્ય કર્મચારીઓની માગણીઓ સ્વીકારતા હડતાળ સમેટાઇ

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Oct 03, 2022 | 9:46 AM

રાજ્યના આરોગ્ય કર્મીઓની (healthcare worker) હડતાળ આખરે સમેટાઈ છે. વિવિધ માંગણીઓને લઈ સરકારે સંમતિ દર્શાવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે હડતાળ વિરામની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) સાથે થયેલી મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે હડતાળને વિરામ આપી આજથી ફરજ પર હાજર થવા આરોગ્યકર્મીઓને આદેશ કર્યો છે. સાથે જ નક્કી કરેલા ઠરાવો અને નિર્ણયો જો સમયસર નહીં થાય તો ફરીથી આંદોલન (Protest) કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

આરોગ્ય કર્મચારીઓેએ કેટલાક મુદ્દા પર સહમતી સાધીને હડતાળ સમેટી છે. આ મુદ્દાઓની વાત કરીએ તો..

  1. કમિટીની રચના કરી 15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે કે આરોગ્યકર્મીઓને ટેક્નીકલ ગણવા કે નહીં, જો ટેક્નીકલ કર્મચારી ન ગણતા હોય તો તેમની પાસે ટેક્નીકલ કામગીરી બંધ કરાવવાની અને જો ટેક્નીકલ કર્મચારી ગણતા હોય તો તે પ્રમાણે પગાર-ધોરણ આપવા ઠરાવ કરવો.
  2. કોરોનાકાળ દરમિયાન શનિ-રવિની રજાનો પગાર ચૂકવવા આદેશ કરવો.
  3. 5 દિવસમાં ઠરાવ કરીને 15 હજાર રૂપિયા કોરોના વોરિયર્સ ભથ્થું આપવું. સરકારે જાહેર કરેલા માસિક ભથ્થાનો 5 દિવસમાં ઠરાવ કરીને આદેશ કરવો.
  4. તમામ આરોગ્યકર્મીઓને પી.ટી.એ. આપવા પાંચ દિવસમાં ઠરાવ કરવો.
  5. હડતાળ પર ઉતરેલા કર્મીઓની રજા પોતાની જમા રજાઓ ગણી પગાર કરવો અને કર્મચારીઓ ઉપર થયેલા કેસ કે નોટિસ પરત ખેંચવા. આ તમામ મુદ્દા પર સહમતી સધાતા હડતાળ સમેટવામાં આવી છે.

ઘણા સમયથી પડતર માગણીઓને લઇને આરોગ્ય કર્મીઓ હડતાળ પર હતા

પોતાની વિવિધ પડતર માગને લઇ આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર હતા. ગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઇને આરોગ્યકર્મીઓ લડત ચલાવી રહ્યા હતા. આરોગ્ય કર્મીઓની માગણી હતી કે અન્ય રાજ્યોમાં આરોગ્ય કર્મીઓને સારું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં. જો કે લાંબી સમય સુધી આરોગ્ય કર્મીઓએ ચલાવેલી હડતાળ બાદ અંતે સરકારે તેમની માગણીઓ માની લીધી છે. જેથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઇ છે.