Gir Somanth: ઉનામાં સી.આર. પાટીલે ચૂંટણી સભા ગજવી હતી. જેમાં પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસમાં અધ્યક્ષ પદને લઈને પણ પાટીલે પ્રહાર કર્યા હતા, જેમાં કોંગ્રેસમાં અધ્યક્ષ ગાંધી પરિવાર બહારની કોઈપણ વ્યક્તિ બને તો એ રિમોટ કંટ્રોલ અધ્યક્ષ જ હશે આ સાથે તેમણે કેજરીવાલને જૂઠાણાના સરદાર કહી ખોટા વાયદા કરવાનો આરોપ લગાવ્યો.
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (Patil) એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં સભા ગજવી રહ્યા છે. ત્યારે ગીરસોમનાથ (Gir Somnath)ના ઉનામાં વિધાનસભા કાર્યકરોના સંમેલનમાં પણ પાટીલે સભા સંબોધી હતી, સી.આર.પાટીલે કોંગ્રેસ (Congress) પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે 2017માં કોંગ્રેસ કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે, પરંતુ અત્યારની સ્થિતિ જોતા કોંગ્રેસ ગાંડાની સ્થિતિમાં આવી ગઈ છે. આ તરફ તેમણે કોંગ્રેસમાં હાલ ચાલી રહેલી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને પણ પ્રહાર કર્યા હતા. પાટીલે અશોક ગેહલોતવાળા ચેપ્ટરનો ઉલ્લેખ કરતા કહ્યુ કે કોંગ્રેસમાં કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પણ અઘરા થઈ ગયા છે. કારણે તેના લોકો જાણે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તો બધુ રિમોટ કંટ્રોલથી ચાલશે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની સાથે મુખ્યમંત્રી તરીકે પણ ચાલુ રાખવાની માગ કરે છે.
સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલને કહ્યા જુઠાણાના સરદાર
સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પણ ગંભીર આરોપ લગાવ્યાં અને અરવિંદ કેજરીવાલને જૂઠાણાના સરદાર કહ્યા. તેમણે કહ્યું એ જુઠાણાનો સરદાર એક પછી એક ગેરંટી આપી રહ્યો છે. એમને ક્યાં વચનો આપવામાં કોઈ દરીદ્રતા આવે છે. પાટીલે કહ્યું કેજરીવાલને એવુ લાગે છે કે ગુજરાતની પ્રજા મુર્ખ છે, પરંતુ ગુજરાતની જનતા ઘણી શાણી છે. તે સમજે છે કે જે નરેન્દ્ર મોદી કહે છે તે પ્રતિબધ્ધતા સાથે કરી બતાવે છે. આ સાથે તેમણે ગુજરાતની આ વિધાનસભા ચૂંટણીમાં જીત ભાજપની જ થશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.