Gujarat Assembly Election 2022 : યુટ્યુબ પર ખજૂરભાઈના નામે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ખજૂર ઉર્ફે નીતિન જાની રાજકારણમાં આવી શકે છે. નીતિન જાની ક્યા પક્ષમાં જોડાશે તેને લઈને હજુ સુધ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની (નીતિન જાની) રાજકારણમાં આવી શકે છે. નીતિન જાની આગામી ચૂંટણી લડે તેવી પણ શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો નીતિન જાનીને આવકારવા તૈયાર છે. નીતિન જાની ક્યાં પક્ષમાં જોડાય છે તે જોવુ રહેશે. તે ભાજપમાં જોડાય છે કે આમ આદમી પાર્ટીમાં જાય છે તે હજુ સ્પષ્ટ નથી. જો કે કોઈ પક્ષ તરફથી હજુ સુધી નીતિન જાનીનો સંપર્ક કરવામાં આવ્યો નથી.
નીતિન જાની યુટ્યુબ પર ખજૂર (ખજુર) ભાઈના નામે ગુજરાતનો ઘણો જાણીતો ચહેરો છે. ખજૂરભાઈના નામથી તેમના અનેક રમૂજી વીડિયો જોવા મળે છે. તેમના જીગલી ખજૂર (જીગલી ખજુર)ના વીડિયો ઘણા લોકપ્રિય છે. જો કે નીતિન જાનીની ઓળખ માત્ર રમૂજી વીડિયો પૂરતી સીમિત નથી. તેઓ તેમની સેવાકીય પ્રવૃતિને લઈને પણ ગુજરાતનો જાણીતો ચહેરો બન્યા છે.
રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના અનેક ગામોમાં લોકો ઘર વિહોણા બન્યા હતા. જે લોકોના મકાનો પડી ગયા હતા તે તમામને નીતિન જાનીએ ઘર બનાવવામાં આર્થિક મદદ પહોંચાડી હતી. ઉપરાંત માલસામાનની પણ મદદ કરી હતી. આ ઉપરાંત ગરીબોને પણ તેઓ અવારનવાર મદદ કરતા હોય છે. તેમની આ સેવાકીય પ્રવૃતિઓને કારણે પણ તેઓ હાલ જાણીતા બન્યા છે. આ અગાઉ ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ સહિત અન્ય કલાકારો પણ ભાજપમાં જોડાયા છે. જેમાં મૌસમ મહેતા, પાયલ શાહ, મૌલિક મહેતા ભાજપમાં જોડાયા હતા. અગાઉ પણ વિજય સુવાળા, કિંજલ દવે, ગીતા રબારી, ભક્તિ કૂબાવત સહિતના કલાકારો પણ ભાજપમાં જોડાઈ ચુક્યા છે.