ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે કોંગ્રેસમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ વર્ષ 2012થી 2017 સુધી ડભોઈના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે અને 2017માં કોઈ કારણ વિના તેમની ટિકીટ કાપી નાખવામાં આવી હતી.
ચૂંટણી પહેલા પક્ષાંતરનું રાજકારણ ગરમાયું
વિધાનસભાની (ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022) ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસના વધુ એક નેતા રાજીનામું આપીને ભાજપમાં (ભાજપ) જોડાઇ ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરા બેઠક પરથી ચૂંટણી હારેલા નીતિન પટેલ આજે કમલમ ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપમાં જોડાતાની સાથે જ નીતિન પટેલના સૂર બદલાઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. નીતિન પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ (કોંગ્રેસ) પાસે કોઇ પણ પ્રકારનું વિઝન નથી તથા હિન્દુઓના મુદ્દે કોંગ્રેસ કોઇ દિવસ સાથ નથી આપતી. પ્રદીપ સિંહ વાઘેલાએ નીતિન પટેલનું ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું.
તો સામે પક્ષે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. બાલકૃષ્ણ પટેલ વર્ષ 2012થી 2017 સુધી ડભોઈના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસમાં જોડાતા કહ્યું હતું કે ભાજપમાં તેમની અવગણના થઈ રહી છે અને 2017માં કોઈ કારણ વિના તેમની ટિકીટ કાપી નાખવામાં આવી હતી. નોંધનીય છે કે બાલકૃષ્ણ પટેલના પુત્રને ટિકીટ ન આપતા તેઓ ઘણા સમયથી નારાજ હતા. ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષાંતરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
દરમિયાન ગુજરાતના રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ ઉગ્ર બની ગયા છે હાલમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં કમા મુદ્દે કકળાટ શરૂ થયો છે. પહેલા મધ્યપ્રદેશ ભાજપના નેતાનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે અને હવે કોંગ્રેસ નેતા જીતુ પટેલે પણ કમાનું નામ લઈ કટાક્ષ કર્યો છે. તેમણે સરકારની તુલના કમા સાથે કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે.
ઇમ્પેક્ટ ફી અંગેની પ્રેસ કોન્ફરન્સમાં જીતુ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે ઈમ્પેક્ટ ફીનો વટહુકમ સરકાર કરતા કમો પણ સારો બનાવી શકે છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે એક નિર્દોષ માનસિક દિવ્યાંગ વ્યક્તિ મુદ્દે કેમ ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે શા માટે કમાને વાંરવાર રાજકીય પક્ષો દ્વારા ખોટી રીતે વિવાદમાં ઢસેડવામાં આવે છે? કેમ ગુજરાતની રાજનીતિનું સ્તર નીચું ઉતરતુ જાય છે? મુદ્દાઓની રાજનીતિને બદલે આવી રાજનીતિ કરવામાં કોને રસ છે? ચૂંટણી થતા પહેલા ગુજરાતના રાજકારણમાં આવા અનેક વિવાદો સામે આવી શકે તેમ છે.