ભાજપની સરકાર દ્વારા હિંમતનગર (Himatnagar) માં મેડિકલ કોલેજ, કેનાલ ફ્રન્ટ, ફોરલેન રોડ, એનિમલ હોસ્ટેલ, કામધેનુ યુનિવર્સિટી સહિત અનેક વિકાસ કાર્યોની ભેટ આપ્યાનો ઉલ્લેખ પત્રિકામાં છે.
વાયરલ પત્રિકા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચુંટણી (ગુજરાત ચૂંટણી 2022) ને લઈ ગુરુવાર અને શુક્રવારે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવા માટેની પ્રક્રિયા થઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની બેઠકોની સેન્સ શુક્રવારે લેવાનારી છે. આ પહેલા જ સાબરકાંઠામાં પત્રિકા વોર શરુ થઈ ગયુ છે. આ પહેલા પણ એક વાર પત્રિકા વિતરણ કરીને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો, ત્યારબાદ હવે ફરી એકવાર હવે પત્રિકા વાયરલ થવા લાગી છે. જેમાં હિંમતનગરના (હિમતનગર) ધારાસભ્યના વિકાસ કાર્યોના હિસાબોની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપે જ હિંમતનગરમાં અગાઉ વિકાસ કર્યો હોવાની વાત પણ ભારપૂર્વક કરવામાં આવી છે.
નવી પત્રિકા વાયરલ થવા મુજબ હાલમાં ભાજપે અગાઉ એક સામાન્ય નિવૃત્ત કર્મચારી પરિવારને ટિકિટ આપી હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેઓ ગાંધીનગરના વતની હોવા છતાં પણ સાબરકાંઠા જિલ્લામાં 3 ટર્મ સુધી હિંમતનગરના ધારાસભ્ય તરીકે રહેવાનો મોકો આપ્યો હતો. આ દરમિયાન તેઓએ પ્રધાનપદ પણ મેળવ્યુ હતુ. જ્યારે 2007 માં ટિકિટ ભાજપે પોસ્ટ માસ્તરના પુત્રને આપી હતી. આમ ભાજપે હિંમતનગરની બેઠક જાળવી રાખવાનો પ્રયાસ સફળ કર્યો હતો.
પરિવારવાદી અને ભાજપ સામે પડવાની વાતનો બળાપો નિકાળ્યો
પરંતુ જે તે સમયે 2007માં 3 ટર્મ બાદ નવા ચહેરાને સ્થાન અપાતા જ પૂર્વ ધારાસભ્યનો પરિવાર ભાજપથી વિરોધમાં ઉતર્યો હતો અને આગળ 2012માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને ભાજપ સામે મેદાને પડ્યા હતા. આ વાતને પત્રિકામાં ઉલ્લેખ કરીને ભાજપ માટે જીવ બાળવાની ભાવના પણ પ્રગટ કરવામાં આવી છે.
સરકારે કરેલ વિકાસને વખાણ્યો
પત્રિકામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, હિંમતનગર શહેરમાં ઐતિહાસિક વિકાસ ગતિ ભાજપે આપી હતી. ભાજપની સરકાર દ્વારા વિસ્તારમાં વિકાસ કરવામાં આવ્યો હતો અને જે કામ પોસ્ટ માસ્તરના પુત્રને ટિકિટ આપ્યા બાદ તે ધારાસભ્ય બનતા વિકાસની ગતિ તેઓના પ્રયાસથી થઈ શક્યો હતો. જેને લઈ તેઓ વિકાસપુરુષ તરીકે હિંમતનગરમાં ઓળખાવા લાગ્યા હતા. આ વાત પ્રફુલ પટેલની છે. જબરદસ્ત કાર્યપદ્ધતીથી તેઓ ગૃહ પ્રધાન બની શક્યા હતા. જેતે વખતે હાલના ધારાસભ્ય પરિવારે કોંગ્રેસમાં રહી પૈસા અને ભ્રમિત કરાવી ભાજપને બેઠક ગુમાવવાનો બળાપો પણ પત્રિકામાં દેખાડવામાં આવ્યો છે.
હિમતનગરના ધારાસભ્ય વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. #સાબરકાંઠા #ગુજરાત #TV9ન્યૂઝ pic.twitter.com/PjPvfpowc7
— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) 27 ઓક્ટોબર, 2022
હિંમતનગરને 2007 થી 2012 દરમિયાન મેડિકલ કોલેજ, કેનાલફ્રન્ટ એનિમલ હોસ્ટેલ, કામધેનુ યુનિવર્સિટી, મુનપુર કોલેજ અને બામણા રાજેન્દ્રનગર કોલેજ, સીએચસી-પીએચસી સેન્ટરો અને શહેરના દરેક માર્ગોને ચારમાર્ગીય કરવાનો તેમજ પહોળા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પત્રિકામાં પણ આવા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ભાજપ અધ્યક્ષે કહ્યુ- પત્રિકાની બાબત હાલ જ જાણી
આ અંગે TV9 સાથે વાતચિતમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ જેડી પટેલે કહ્યુ હતુ કે, હું બહાર છું. જેથી પત્રિકા અંગે સંપૂર્ણ વિગતથી જાણ બહાર હતો. પરંતુ હાલમાં જ મને પત્રિકાની જાણકારી મળી છે. જોકે હાલમાં કોઈ મારા તરફથી પ્રતિક્રિયા નથી. આમ એક જ વ્યક્તિ અને પરિવારનો જ વિકાસ હિંમતનગરના બદલે થયો જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ જ્ઞાતિઓ વચ્ચે વાડા અને ઉભા કરવાના ધમપછાડા થઈ રહ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નિરીક્ષકોના આવવા પહેલા જ ભાજપ પ્રત્યે લાગણી વ્યક્ત કરી ભાજપ તરફી વાત મુકી સવાલો કરતી પત્રિકાએ સ્થાનિક રાજકારણમાં માહોલ ગરમ કરી દીધો છે.