IND vs PAK Match Preview : પાકિસ્તાન સામે ભારત લેશે બદલો, દિવાળી પહેલા જ કરાશે આતશબાજી

India vs Pakistan T20 World Cup 2022: છેલ્લી 3 મેચોમાં પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે, પરંતુ વર્લ્ડ કપમાં ભારતની સામે પાકિસ્તાન ક્યારેય ટકી શક્યું નથી.

IND vs PAK Match Preview : પાકિસ્તાન સામે ભારત લેશે બદલો, દિવાળી પહેલા જ કરાશે આતશબાજી

રોહિત શર્મા અને બાબર આઝમ (ફાઇલ ફોટો)

બધા ક્રિકેટ ચાહકોની નજર આકાશ તરફ છે. જીભ પર ફક્ત એક જ પ્રાર્થના છે – બસ 23 ઓક્ટોબરે મહેરબાની કરજો. પોતપોતાના દેશોથી હજારો કિલોમીટર દૂર પોતાનું ઘર બનાવનાર હજ્જારો ભારત અને પાકિસ્તાનના  ક્રિકેટ ચાહકો માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યાં છે. મેલબોર્નમાં (મેલબોર્ન) 23મી ઓક્ટોબરના રોજ વરસાદ ના પડે. આખરે વિશ્વમાં ટી20 ક્રિકેટ મેચની સૌથી મોટી ટુર્નામેન્ટમાં સૌથી મોટી મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન (ભારત વિ.પાક) વચ્ચે રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ માટે પણ આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2ની પ્રથમ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ICC અને ટૂર્નામેન્ટના યજમાન ઓસ્ટ્રેલિયાએ બન્ને દેશની મેચને લઈને સૌથી સારુ ક્રિકેટ મેદાન અને સૌને અનુકુળ એવો રવિવારનો દિવસ પસંદ કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના આયોજનને પણ પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. મેચની બધી જ ટિકિટ એક સપ્તાહ પહેલા જ વેચાઈ ગઈ છે.

બદલો, સારી શરૂઆત, દિવાળી ભેટ

હવે એટલી જ ઉત્સુકતા છે તો એટલું જ દબાણ અને મહત્વ પણ એટલુ જ છે. પહેલા ટીમ ઈન્ડિયાની વાત કરીએ. વર્લ્ડકપ ભલે ODI નો હોય કે T20 નો, ટીમ ઈન્ડિયાનો હંમેશા પાકિસ્તાન પર દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ વર્લ્ડ કપમાં સ્પર્ધા હોય છે, ત્યારે ભારત પર તે રેકોર્ડને જાળવી રાખવાનું દબાણ હોય છે, તો પાકિસ્તાન ઉપર વર્લ્ડકપમાં ભારત સામે પ્રથમ જીત મેળવવા માટેનું દબાણ છે. ભારતે લાંબા સમય સુધી પોતાની સફળતા જાળવી રાખી હતી, પરંતુ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં આખરે પાકિસ્તાને તેના પર કાબુ મેળવી લીધો હતો અને પ્રથમ વખત ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

આવી સ્થિતિમાં હવે નજર ભારત પર છે કે શું ટીમ ઈન્ડિયા આ હારનો જવાબ આપી શકશે ? દરેક વ્યક્તિ આ મેચનું મહત્વ જાણે છે અને તે માત્ર 2 પોઈન્ટથી વધુ છે. તેમ છતાં, ખેલાડીઓ માટે બે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. ગત વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું એટલું જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભારતનું ડેબ્યૂ પણ બગાડ્યું. ફરી એકવાર ભારતની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી થશે અને આ વખતે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવા ઈચ્છશે.

આ સાથે જો ટીમ ઈન્ડિયા આ મેચમાં જીતે છે તો 24 ઓક્ટોબરના રોજ દિવાળી પર્વ પહેલા જ દેશવાસીઓને આનાથી સારી ભેટ ભાગ્યે જ મળી શકે છે.

બેટિંગ અને બોલિંગ વિશે શું?

દેખીતી રીતે જસપ્રિત બુમરાહની ઈજાએ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો આપ્યો હતો અને તેની ભરપાઈ કરવી સરળ નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ખાસ કરીને મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર પાસેથી ઘણી આશાઓ હશે. ટીમ ઈન્ડિયા ત્રણ મોટા પેસર અને 2 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે તે નિશ્ચિત છે. ભારતીય ટીમ છેલ્લી ઓવરોની નબળાઈનો સામનો કરવામાં સક્ષમ છે કે કેમ તેના પર નજર રહેશે.

બોલિંગ થોડી ચિંતાનો વિષય છે પરંતુ બેટિંગમાં ચિંતા કરતાં વધુ સાવધાની રાખવામાં આવી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતીય ટોપ ઓર્ડર છેલ્લી મેતથી બોધપાઠ લઈને આ વખતે શાહીન શાહ આફ્રિદીનો સામનો કરી શકશે? જો આમ થાય તો ભારતીય ટીમનું અડધાથી વધુ કામ આસાન થઈ શકે છે. આમાં કેપ્ટન રોહિત શર્માનું પીચ પર ટકી રહેવું સૌથી મહત્વનું છે. જો ટીમ ઈન્ડિયા પાવરપ્લેને સારી રીતે રમી કાઢે છે તો પાકિસ્તાન માટે કોઈ સારા સંકેતો નહીં હોય.

પાકિસ્તાન: છેલ્લી જીત માત્ર એક તુક્કો ?

બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો ઘણી વખત ભારત કરતાં પાકિસ્તાની ટીમ પર વધુ દબાણ હોય છે. આ વખતે તેના પર દબાણ જરા અલગ પ્રકારનું હશે. દરેક વ્યક્તિ એ જોવા માંગશે કે ગયા વર્ષની જીત એ પરિવર્તન તરફનું પહેલું પગલું હતું કે માત્ર તુક્કો? બાબર આઝમ પોતાની ટીમ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. જોકે ટીમનો નબળો મિડલ ઓર્ડર ચોક્કસપણે તેમના માટે ચિંતાનું કારણ છે. તેમ છતાં, તે તેના ઘાતક બોલિંગ આક્રમણથી તેની ભરપાઈ કરવાની આશા રાખશે.

હેડ ટુ હેડ રેકોર્ડ કેવો છે ?

આંકડાઓની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે. આમાં ભારતે 8 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર 3 જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં ભારતે 6 મેચમાં સતત 5 મેચ જીતી હતી, જ્યારે ગત વર્ષે પાકિસ્તાને પહેલી જીત મળી હતી. છેલ્લી 3 મેચની વાત કરીએ તો અહીં પાકિસ્તાન આગળ છે. તેણે 2 મેચ જીતી છે, જ્યારે ભારતે માત્ર એક મેચ જીતી છે.

બંને ટીમો

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક હુડા.

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, શાન મસૂદ, મોહમ્મદ નવાઝ, ખુશદિલ શાહ, આસિફ અલી, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ હસનૈન .

أحدث أقدم