ઑક્ટો 30, 2022 | 7:34 AM
TV9 ગુજરાતી | સંપાદિત: અવનીશ ગોસ્વામી
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2022ની જે રીતે શરૂઆત કરી છે તે જોતા એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે માત્ર બે મહિના પહેલા સુધી તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. કોહલીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સતત બે અડધી સદી ફટકારી છે. હવે તેની નજર દક્ષિણ આફ્રિકા સામે તેના પ્રદર્શન પર છે, જ્યાં તે બે ખાસ રેકોર્ડ બનાવી શકે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 ઓક્ટોબર રવિવારના રોજ પર્થમાં મેચ રમાશે. આ મેચમાં તમામની નજર કોહલી પર રહેશે, જે 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન અને ત્યારબાદ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
જો વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે માત્ર 11 રન બનાવી લેશે તો તે 1000 રનના આંકને સ્પર્શી જશે. તેના નામે હાલમાં 23 મેચની 21 ઇનિંગ્સમાં 989 રન છે. જો તે આવું કરશે તો તે 1000 રન ન કરનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બની જશે.
જો કોહલી 1000 રન પૂરા કરે છે તો તેની નજર આગામી 17 રન પર રહેશે. કોહલી દક્ષિણ આફ્રિકા સામેની આ ઇનિંગમાં 28મો રન પૂરો કરતાની સાથે જ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલમાં આ રેકોર્ડ શ્રીલંકાના મહેલા જયવર્દનેના નામે છે.
કોહલીએ આ વર્લ્ડ કપમાં માત્ર 2 ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા છે અને તે એક પણ વખત આઉટ થયો નથી. તે યાદીમાં ચોથા નંબર પર છે, પરંતુ માત્ર સુપર-12 રાઉન્ડમાં જ તેના કરતા વધુ રન કોઈ નથી.