India vs South Africa, 2nd T20 Match 1st Inning Report Today: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી, આમ ભારતે પ્રથમ બેટીંગ કરતા રાહુલ અને રોહિતની જોડીએ જબરદસ્ત શરુઆત અપાવી હતી.
ભારતીય ટીમે વિશાળ સ્કોર ખડક્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે 3 મેચોની ટી20 શ્રેણીની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ઓપનીંગ જોડી રોહિત શર્મા અને કેએલ રાહુલે (KL Rahul) જબરદસ્ત શરુઆત કરાવી હતી. કેએલ રાહુલે તોફોની રુપ બતાવતા આક્રમક અડધી સદી નોંધાવી હતી. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) શાનદાર રમત બતાવી હતી. તેણે પણ તોફાની અડધી સદી નોંધાવી હતી.
ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા જબરદસ્ત શરુઆત કરી હતી. રાહુલ અને રોહિત શર્માની ઓપનીંગ જોડીએ 96 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. કેએલ રાહુલે શરુઆતથી જ આક્રમક રમત અપાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા વાળી કરીને ભારતીય સ્કોરબોર્ડને ઝડપથી ફરતુ રાખ્યુ હતુ. જોકે આ દરમિયાન પ્રથમ વિકેટના રુપમાં રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે 37 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા. રોહિતે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
રાહુલ રંગમાં
કેએલ રાહુલે શરુઆતથી જ આક્રમકતા અપનાવી હતી. તેણે 24 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. જોકે ફિફટી બાદ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. 28 બોલમાં રાહુલે 57 રનની તોફાની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. બંને ઓપનરોએ સારી શરુઆત કરાવ્યા બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે મોટા સ્કોર તરફ આગળ વધવાની યોજનાને પાર પાડવાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો હતો.
સૂર્યાની તોફાની અડધી સદી
સૂર્યકુમાર યાદવે પણ ક્રિઝ પર આવતા જ તોફાની અંદાજમાં પોતાની રમતની શરુઆત કરી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની શરુઆત કરીને દક્ષિણ આફ્રિકાના બોલરોને રાહુલની વિકેટ બાદ સહેજ પણ રાહત સર્જાવા દીધી નહોતી. એક સમયે રાહુલની વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાને રાહતની વિકેટનો અહેસાસ થયો હતો. પણ સૂર્યાની રમતથી પ્રવાસી ખેલાડીઓના ચહેરા પહેલાની જેમ નિરાશ બની ગયા હતા. સૂર્યાએ 18 બોલમાં અડધી સદી નોંધાવી હતી.