વડાપ્રધાન મોદીએ (PM Modi) ઝેલેન્સ્કીને કહ્યું કે યુદ્ધથી કોઈ ઉકેલ આવી શકે નહીં. વાતચીત દ્વારા યુદ્ધનો અંત લાવવાની જરૂર છે. પીએમઓ અનુસાર, વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર ચાલવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
Image Credit source: File photo
Russia Ukraine Conflict : છેલ્લા ઘણા સમયથી યૂક્રેન અને રશિયા વચ્ચે તણાવનો માહોલ છે. આજે વડાપ્રધાન મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે ટેલીફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન બન્ને દેશના નેતાઓ વચ્ચે યૂક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ (PM Modi) વ્લાદિમીર ઝેલેન્સકીને કહ્યું કે યુદ્ધથી કોઈ ઉકેલ આવી શકે નહીં. વાતચીત દ્વારા યુદ્ધનો અંત લાવવાની જરૂર છે. પીએમઓ અનુસાર વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર ચાલવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. લગભગ છેલ્લા 8 મહિનાથી આ બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે.
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરતા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે ભારત યુક્રેનના પરમાણુ સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતુ કે પરમાણુ સુવિધાઓનો ખતરો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશક પરિણામો લાવી શકે છે. પીએમઓ અનુસાર વ્લાદિમીર ઝેલેન્સકી સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત શાંતિ જાળવવાના કોઈપણ પ્રકારના પ્રયાસમાં યોગદાન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સહાય માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો
તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.
રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યો
યુક્રેન-રશિયા યુદ્ધને 8 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ શાંતિ સ્થાપિત થઈ નથી. અત્યારે કોઈ ઉકેલ હોય તેમ લાગતું નથી. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ પછી, વડાપ્રધાન મોદીએ 26 ફેબ્રુઆરીએ પ્રથમ વખત ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. ત્યારપછી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર કરી લીધા. જેના કારણે ઝેલેન્સકીએ વડાપ્રધાનને કહ્યું હતું કે, ભારતે યુએન સુરક્ષા પરિષદમાં યુક્રેનનું સમર્થન કરવું જોઈએ. જો કે ભારતે આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળ્યું હતુ.