ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાએ હજુ સુધી તેના વિકલ્પની જાહેરાત કરી નથી. બુમરાહના સ્થાનની રેસમાં દિગ્ગજ બોલર મોહમ્મદ શમી સૌથી આગળ છે.

જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે? રોહિત-દ્રવિડે ઓસ્ટ્રેલિયા જતા પહેલા સંકેત આપ્યા
T20 World Cup 2022 : ભારતીય ટીમ બુધવારે T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ રહી છે. 15 સભ્યોની ટીમ ઉપરાંત રિઝર્વ ખેલાડીઓ અને નેટ બોલર પણ ઓસ્ટ્રેલિયા જશે. ટીમ ઈન્ડિયા (Team India) ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પહોંચીને પોતાની તૈયારીઓને મજબૂત કરશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ રહી છે, પરંતુ અત્યાર સુધી ચાહકોને એ સવાલનો જવાબ નથી મળ્યો કે, જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં કોને તક મળશે. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે આ વિશે મોટું અપડેટ આપ્યું છે.
બુમરાહનું સ્થાન કોણ લેશે?
ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી T20 વર્લ્ડ કપમાંથી તેનું પત્તું પણ કપાઈ ગયું. બુમરાહ આઉટ થઈ ગયો પરંતુ તે પછી ચર્ચા શરૂ થઈ કે બુમરાહનું સ્થાન કોણ લેશે. ટીમના કોચ અને કેપ્ટન આ મામલે એક અભિપ્રાય પર સહમત દેખાતા હતા. બંનેએ સ્વીકાર્યું કે બુમરાહના સ્થાનની રેસમાં દિગ્ગજ બોલર મોહમ્મદ શમી સૌથી આગળ છે.
રાહુલ દ્રવિડની નજર મોહમ્મદ શમી પર
ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું, જ્યારે બુમરાહના રિપ્લેસમેન્ટની વાત આવે છે, તો અમારી પાસે હજુ 15 ઓક્ટોબર સુધીનો સમય છે. શમીનું નામ સ્ટેન્ડબાયમાં છે પરંતુ તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ રમી શક્યો ન હતો. તે હાલમાં એનસીએમાં છે અને તેના હેલ્થને લઈ અમને રિપોર્ટ મળી રહ્યા છે. એકવાર અમને સચોટ રિપોર્ટ મળી જાય, પછી અમે અને પસંદગીકારો નક્કી કરી શકીશું કે કેવી રીતે આગળ વધવું.
રોહિતને પણ અનુભવી ખેલાડીની જરૂર છે
રોહિત શર્માએ એમ પણ કહ્યું કે તે વર્લ્ડ કપ માટે ટીમમાં એવો ખેલાડી ઈચ્છે છે જે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં બોલિંગ કરી શકે. તેણે કહ્યું, ‘અમને એવા બોલરની જરૂર છે જેની પાસે અનુભવ હોય. ઓસ્ટ્રેલિયામાં કોણ બોલિંગ કરી શકે છે. મને ખબર નથી કે તે કોણ હશે પરંતુ ઘણા દાવેદારો છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ અમે આ અંગે નિર્ણય કરીશું.