Sharad Purnima: નિરોગી જીવનના આશિષ દેશે આ શરદ પૂર્ણિમા, સરળ ઉપાયો દ્વારા પૂર્ણ થશે મનોકામના !

શરદ પૂર્ણિમાને (Sharad Purnima ) કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકેય ભગવાનના પૂજનથી કુંવારી કન્યાઓને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય છે !

Sharad Purnima: નિરોગી જીવનના આશિષ દેશે આ શરદ પૂર્ણિમા, સરળ ઉપાયો દ્વારા પૂર્ણ થશે મનોકામના !

Sharad Purnima (symbolic image)

હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું (sharad purnima) એક આગવું જ મહત્વ છે. શરદ પૂર્ણિમાને જાગૃત પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્ર દેવતા અને માતા લક્ષ્મીની (Goddess lakshmi) પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. તો ચાલો, આજે એવા જ વિધિ-વિધાન વિશે માહિતી મેળવીએ. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાંથી જે અજવાશ નીકળે છે તે અમૃત સમાન માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવસે ચંદ્ર દર્શન અને પૂજન કરવાથી વ્યક્તિને નિરોગી શરીરના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે જ એક પૌરાણિક કથા અનુસાર માતા લક્ષ્મીનો જન્મ સમુદ્રમંથનમાંથી (Samudramanthan) શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો એટલે શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના પૂજનથી ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવીને તમે ઘણી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો. તો ચાલો, જાણીએ એ ઉપાયો વિશે.

સરળ ઉપાયથી શુભાશિષ

⦁ શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમાંથી અમૃત સમાન કિરણોની વર્ષા થતી હોવાની માન્યતા પ્રચલિત છે. અને એટલે જ આ રાત્રિએ ચંદ્રદર્શન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કહે છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્રનું ત્રાટક કરવાથી આંખ સંબંધિત વિકાર દૂર થઈ જાય છે.

⦁ એક માન્યતા અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્રના અજવાળામાં બેસવાથી શરીરમાં રહેલ જીવાણુંઓનો નાશ થઈ જાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

⦁ શરદ પૂર્ણિમાએ દૂધ-ચોખાની ખીર (અથવા દૂધ-પૌંઆ) બનાવીને સ્વચ્છ કપડાથી ઢાંકીને આખી રાત ચંદ્રના અજવાળામાં રાખવી જોઇએ. આ ખીરને આરોગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.

⦁ શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકેય ભગવાનના પૂજનથી કુંવારી કન્યાઓને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

⦁ શરદ પૂર્ણિમા એ દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ મનાય છે, અને એટલે જ આ રાત્રે જાગરણ કરીને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ શરદ પૂર્ણિમાએ માતા લક્ષ્મીને ગુલાબી રંગના પુષ્પ, સુગંધિત અત્તર અવશ્ય અર્પણ કરવું જોઇએ. તેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

⦁ શરદ પૂર્ણિમાએ અષ્ટલક્ષ્મીના પૂજનનું વિધાન છે. કહે છે કે આ દિવસે અષ્ટલક્ષ્મીની આરાધના કરવાથી માતાજી આપની તિજોરીમાં ધન ખૂટવા નહીં દે !

⦁ આ દિવસે માતા લક્ષ્મીને ખીર, મખાના, પતાશા અને સફેદ વસ્ત્ર અર્પણ કરવા જોઇએ. તેનાથી આપને માતા લક્ષ્મી દ્વારા ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)