Friday, October 14, 2022

Surat: બારડોલીમાં લૂંટ કરીને ભાગી રહેલા બે ઈસમોને પીછો કરી લૂંટ થતી અટકાવનાર યુવકનું જીલા પોલીસ દ્વારા કરાયું સન્માન

બે દિવસ અગાઉ સુરત જિલ્લાના બારડોલીમાં લૂંટ કરીને ભાગી રહેલા બે ઈસમોને સાહસ બતાવીને પીછો કરી લૂંટ થતી અટકાવનાર બારડોલીના યુવક આદિલનું સુરત રેન્જ આઇ.જી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું.

Surat: બારડોલીમાં લૂંટ કરીને ભાગી રહેલા બે ઈસમોને પીછો કરી લૂંટ થતી અટકાવનાર યુવકનું જીલા પોલીસ દ્વારા કરાયું સન્માન

યુવકનું જીલા પોલીસ દ્વારા સન્માન

સુરતઃ બે દિવસ અગાઉ સુરત જિલ્લાના બારડોલીમાં લૂંટ કરીને ભાગી રહેલા બે ઈસમોને સાહસ બતાવીને પીછો કરી લૂંટ થતી અટકાવનાર બારડોલીના યુવક આદિલનું સુરત રેન્જ આઇ.જી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું. બારડોલી પોલીસ સ્ટેશન પાસેથી કારનો કાચ તોડીને 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થનાર બે આરોપીઓને આદિલે મોપેડ પર દોઢથી બે કિલોમીટર સુધી પીછો કર્યા બાદ લૂંટારૂઓને રૂપિયા ભરેલી બેગ નાખીને ભાગી જવા મજબૂર કર્યા હતા. આ અદમ્ય સાહસ બતાવનાર આદિલનું આજરોજ સન્માન કરાયું છે.

સુરતના બારડોલી પોલીસ સ્ટેશન નજીક બે દિવસ અગાઉ સાંજના સમયે એક ઊભેલી કારમાંથી કાચ તોડીને બે લૂંટારો 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ભાગી રહ્યા હતા. તે જોઈને એક જાગૃત નાગરિક તરીકે આદિલ નામના યુવકે આ બંને નો પીછો કર્યો હતો અને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો. પીછો કરતા કરતા આદિલ આ બંને ઈસમોની પાછળ લગભગ દોઢ થી બે કિલોમીટર સુધી ગયો હતો. જ્યારે લૂંટારુઓને લાગ્યું કે તેઓ પકડાઈ જશે એટલે તેઓ રૂપિયા ભરેલી બેગ નાખીને ફરાર થઈ ગયા હતા.

આદીલે પોતાની સૂઝબૂઝ દાખવીને આટલી મોટી લૂંટ થતા અટકાવી હતી. જેને કારણે સુરત રેન્જ આઇ.જી અને સુરત ગ્રામ્ય પોલીસ ના એસપી હિતેશ જોઇસર અને બારડોલી ના DYSP બી કે વનાર દ્વારા આજરોજ આદિલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની બહાદુરી બતાવવા બદલ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે. તે અંતર્ગત ગ્રામ્ય પોલીસ દ્વારા આદિલને સન્માન પત્રની સાથે પાંચ હજાર રૂપિયા નો ચેક પણ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યો છે.

આ લૂંટારુઓને પકડવા માટે ગ્રામ્ય પોલીસની ટીમ અમદાવાદ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં આ લૂંટારૂઓ ઝડપાઈ જાય તેવી પણ શક્યતા ગ્રામ્ય પોલીસે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવતા પોલીસ રૂપિયા મોકલનાર આંગડિયા પેઢીની પણ તપાસ કરી રહી છે.

બે દિવસ અગાઉ સાંજના સમયે આદિલ બારડોલી પોલીસ સ્ટેશન રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે, એક યુવક એક ઊભેલી કારનો કાચ તોડીને તેમાંથી બેગ લઈને એક ગાડી પર બેસીને ભાગી રહ્યો છે. એટલે તેને કંઈક અજુગતું થયો હોવાનો ખ્યાલ આવતા આ બંને યુવકોનો પીછો શરૂ કર્યો હતો અને રસ્તામાં ચોર ચોર ની બૂમો પણ પાડી રહ્યો હતો. તેમજ પોલીસને મદદ થાય તે હેતુથી પોતાનો મોબાઇલ કાઢીને તેને લુંટારુઓનો પીછો કરતો વિડિયો પણ જાતે શૂટ કર્યો હતો. એક સમયે આદિલને એવું પણ લાગ્યું કે, કદાચ લૂંટારૂઓ તેના પર હુમલો પણ કરી શકે છે. પરંતુ તેણે તેના જીવની પરવા કર્યા વગર મોટી ઘટના બનતા અટકાવવાની નેમ સાથે દોઢથી બે કિલોમીટર સુધી આ લૂંટારો નો પીછો કર્યો અને આખરે લૂંટારો ડરી ગયા હોવાથી તેઓ 20 લાખ રૂપિયા ભરેલી બેગ ફેંકીને નાસી ગયા હતા.

આદીલે તુરંત આ બેગ ઉચકીને બારડોલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધી હતી. આજરોજ જ્યારે આદિલનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેણે સુરત ગ્રામ્ય પોલીસનો આભાર માન્યો અને અન્ય યુવાનોને પણ સલાહ આપી કે, તેઓ પણ આ રીતે કોઈક ઘટના બનતી હોય તો તેને અટકાવવાના પ્રયાસ કરે અને પોલીસને મદદરૂપ થાય.

20 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થતા તો અટકી ગઈ. પરંતુ તપાસમાં એક નવો ફણગો ફૂટ્યો હતો કે, આ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હતા અને તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ રૂપિયા તેને આંગડિયા મારફતે દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. એટલે હાલ સુરત પોલીસે રૂપિયા ક્યાંથી આવ્યા અને કોણે મોકલ્યા તેમજ કયા કામ માટે વાપરવાના હતા આ બાબતની દિશામાં આંગડિયા પેઢીની પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.