Vadodara: 20 દિવસથી ગુમ થયેલો શિક્ષક પરિવાર સહી સલામત પરત ફર્યો, પોલીસે તપાસ શરૂ કરી

Vadodara: શહેરમાંથી 20 સપ્ટેમ્બરે અચાનક ગુમ થયેલ શિક્ષક પરિવાર સહી સલામત પરત ફર્યો અને પાણી ગેટ પોલીસ સમક્ષ હાજર થયો હતો. કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઈકોનમાં રહેતો એક શિક્ષક પરિવાર અચાનક જ ગુમ થઈ જવાની ઘટના બની હતી.

Vadodara: 20 દિવસથી ગુમ થયેલો શિક્ષક પરિવાર સહી સલામત પરત ફર્યો, પોલીસે તપાસ શરૂ કરી

ગુમ પરિવાર

વડોદરામાં (Vadodara) 20 દિવસ પહેલા ગુમ થયેલો શિક્ષક પરિવાર (Teacher Family) સહી સલામત પરત ફર્યો છે. પાણીગેટ પોલીસ સમક્ષ આ પરિવાર હાજર થયો હતો. શિક્ષક અને તેમના પત્ની પોલીસ સમક્ષ હાજર થયા હતા. 20 દિવસ બાદ આ જોષી પરિવાર પરત ફર્યો છે. 11 પન્નાની ચિઠ્ઠી લખી પરિવાર ગુમ થયો હતો. આ ચિઠ્ઠીમાં 4 લોકો પરિવારના મોત માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૂળ ભાવનગરનો વતની અને હાલ વડોદરામાં સ્થાયી થયેલ રાહુલ જોષી, તેમના પત્ની અને બંને બાળકો 20 દિવસ પહેલા ગુમ થયા હતા. લોનમાં દેવુ થવાથી અને આર્થિક સંકડામણના કારણે ક્યાંક ચાલ્યા ગયા હતા. જે 20 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. તેમના ભાઈએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે તેમની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે અમારા સંવાદદાતાએ શિક્ષક પરિવાર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે તેમની સાથે લોનમાં છેતરપિંડી થઈ જેના કારણે તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા છે. આ છેતરપિંડીના કારણે તેમના માથે દેવુ થઈ જતા તેમને જતા રહેવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. 32 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતા પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો.

કેવી રીતે થયુ 32 લાખનું દેવુ?

રાહુલ જોષીના જણાવ્યા પ્રમાણે તેમની લોન ચાલતી હતી અને આ લોન ટ્રાન્સફર કરાવવા માટે જે એજન્ટનો સંપર્ક કર્યો હતો તેમણે પરિવાર સાથે ઠગાઈ કરી હતી, જેના કારણે તેઓ દેવાના ડુંગરતળે દબાઈ ગયા છે. તેમણે જણાવ્યુ અલ્પેશભાઈ મેવાડ઼ા નામના લોન એજન્ટે લોન રાહુલ જોષીના નામે રિટ્રાન્સફર કરાવવાનું કહી ટૂકડે ટૂકડે પૈસા પડાવતા રહ્યા પરંતુ કામ કર્યુ ન હતુ.

20 દિવસ સુધી ક્યાં રહ્યા?

પરિવારે જણાવ્યુ કે દેવાના કારણે આત્મહત્યા કરવા નીકળ્યા હતા, પરંતુ તેમના દીકરાને જોઈને અટકી ગયા હતા. દીકરાએ આવુ પગલુ ભરતા અટકાવ્યા અને ત્યાંથી તેઓ દિલ્હી ગયા હતા અને જેમ તેમ દિવસો પસાર કર્યા હતા. દિલ્હીમાં ફુટપાથ પર રહેવુ પડે તેવી સ્થિતિમાં આવી ગયા હતા. થોડા દિવસો ફુટપાથ પર રહ્યા હતા તેમ તેમણે જણાવ્યુ હતુ. હવે કોઈપણ રીતે ન્યાય મળશે તેવી આશા સાથે આ પરિવાર પોતાના ઘરે પરત ફર્યો છે.