કોર્પોરેટરના કારણે ધર્મગુરૂને પણ કડવો અનુભવ થયો હતો. સમગ્ર ઘટના અંગે કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કાર્યક્રમની મંજૂરીનો લેટર બંધ કવરમાં મળ્યો હતો. જેને જોવાનો પણ બાકી છે.
વડોદરાના (વડોદરા) મહા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટ(ભાજપ કોર્પોરેટર) કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે તેમણે મંજૂરી વગર જ કાર્યક્રમ યોજતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં પી.આઈ. વી.કે. દેસાઈએ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકરમાં મહેમાનોને જતા રહેવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પર વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ પણ બિરાજમાન હતા, તેઓ પણ પીઆઈની વિનંતીને પગલે સ્ટેજ છોડી જતા રહ્યા હતા.
વારંવાર વિવાદમાં આવતા કોર્પોરેટરે કર્યો લૂલો બચાવ
આમ કોર્પોરેટરના કારણે ધર્મગુરૂને પણ કડવો અનુભવ થયો હતો. સમગ્ર ઘટના અંગે કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કાર્યક્રમની મંજૂરીનો લેટર બંધ કવરમાં મળ્યો હતો. જેને જોવાનો પણ બાકી છે. મહત્વનું છે કે કોર્પોરેટર કલ્પેશ પટેલે અગાઉ શાળામાં પરમિશન વગર કાર્યક્રમ કરતા પાલિકાએ ફી ભરાવી હતી. ઉપરાંત એક વખત વોર્ડ ઓફીસમાં લેંઘો ઉતારી તેઓ ઉભા રહી ગયા હતા જેના કારણે પણ ખૂબ વિવાદ થયો હતો.
તે સમયે કોરોના કાળ હતો અને કલ્પેશ પટેલનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન હોવા છતાં તેમણે તેનો ભંગ કર્યો અને વોર્ડ નંબર-4ની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નં-4ની કચેરીમાં પોતાની કાર આડી મૂકીને કચેરી માથે લીધી હતી અને અધિકારીઓ-કર્મચારીઓને ત્રણ કલાક સુધી બાનમાં લેવાની સાથોસાથ જાહેરમાં પોતાનો પાયજામો ઉતારી દઇને અર્ધનગ્ન અવસ્થામાં ઉભા રહેતા વિવાદ સર્જાયો હતો. ત્રણ કલાક સુધી ચાલેલા આ ડ્રામામાં ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે પોતાનો લેંઘો ઉતારી દીધો હતો અને તેને પહેરવાનો પ્રયાસ પણ કર્યો નહતો.