- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- One Voice Of The People Here First Water, Then Voting, 10 Thousand People Boycotted All Elections For 3 Years, Deprived Of Water For 20 Years
મહેસાણા16 મિનિટ પહેલા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ગામે ગામ સભાઓ ગજવી રહી છે, ત્યારે ઘણી જગ્યાએ જનતા વિરોધ નોંધાવી રહી છે, કોઇ નેતાઓને આડેહાથ લઇને તો કોઇ ચૂંટણી બહિષ્કાર કરીને. આજે વાત કરીશું મહેસાણાના એવા ત્રણ ગામની જેમણે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને મત નથી આપ્યો. આ ત્રણ વર્ષમાં નાની-મોટી ત્રણ ચૂંટણીઓ આવી પરંતુ ત્રણેય ગામના લોકો એકના બે ન થયા. નેતાઓને ચૂંટવાની તો વાત અલગ રહીં ગ્રામજનોએ સરપંચ પણ ના ચૂંટ્યો.. આ ત્રણેય ગામનો એક જ પ્રશ્ન છે ‘પાણી’… સિંચાઇના પાણીની તો વાત અલગ છે, અહિંયા પીવાના પાણીના પણ ફાફા પડે છે. ગ્રામજનોએ પાણી માટે કોઇએ માતાજીની તો કોઇએ ચપ્પલ ન પહેરવાની બાધા પણ રાખી. ગ્રામજનો કહે છે કે, હવે તો ગામના યુવાનને કોઇ છોકરી પણ નથી આપતું.. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ત્રણેય ગામની મુલાકાત લીધી છે. વિગતે વાંચીએ આ અહેવાલમાં.

પુરુષો તો સવારે તૈયાર થઇને જતા રહે મહિલાઓને ક્યાં જવું?
1998થી રજૂઆત પણ પરિણામ શૂન્ય
આજે દિવ્ય ભાસ્કરની ટીમ મહેસાણાથી 50 કિલોમીટર દુર આવેલા ખેરાલુ તાલુકાના ડાવોલ, વરેઠા અને ડાલીસણા ગામની મુલાકાતે પહોંચ્યું હતું. જ્યાં છેલ્લા 20 વર્ષથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ ત્રણેય ગામના મોટાભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવ્યાય સાથે સંકળાયેલા છે. આ ગામોની આસપાસ બે મોટા ડેમ હોવા છતા લોકોને પાણી મળતું નથી. દિવસના 20-25 ટેન્કર લાવવા પડે છે. વર્ષોથી ચાલી રહેલા પાણીના પ્રશ્નો વિશે ગ્રામજનોએ 1998થી ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ગામ લોકો સાથે અમે વાતચીત કરવા ગયા ત્યારે ખાસ કરીને મહિલાઓ આક્રોશ સાથે પોતાની વેદના વર્ણવી હતી.

વેચાતું પાણી અને વેચાતું ઘાસ ક્યાં સુધી લાવવું?
બાળકોને ભણાવવા કે પાણી શોધવા જવું?
ડાવોલ ગામની પૂર્વા ચૌધરી નામની મહિલાએ જણાવ્યું કે, બાળકોને ભણાવવા કે પાણી શોધવા જવું? પાણી વગર કંઇ રીતે જીવવું.. પુરુષો તો સવારે તૈયાર થઇને જતા રહે મહિલાઓને ક્યાં જવું? ઢોર ઢાંખર કેમના સાચવવા? પાણી છે તો બધું છે બાકી કોઇએ અમારા ગામમાં મત માંગવા આવવું નહીં. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઇને અમે વોટ નહીં આપીએ. અમે મહિલાઓ પાણી માટે મહેસાણા કે ગાંધીનગર ગમે ત્યાં જવા તૈયાર છીએ.

રોજના એક એક ગામમાં 20-25 ટેન્કર લાવવા પડે છે.
કોઇ પિતા પોતાની દીકરી અહીં પરણાવવા તૈયાર નથી
ડાલીસણા ગામની મધુબેન પ્રજાપતિ નામની મહિલાએ જણાવ્યું કે, આમરા ગામમાં પાણીની તકલીફ ઘણી છે, જેના કારણે અમારા છોકરાઓના લગ્ન કરવા પણ મુશ્કેલ બની ગયા છે. કોઈ સગાઇ કરવા તૈયાર નથી. અમે કોઇ પણ સંજોગોમાં વોટિંગ કરવાના નથી. અન્ય એક મહિલાએ જણાવ્યું કે, પાણી વગર પશુઓને કેવી રીતે જીવાડવવા? ટેન્કરથી પાણી લાવીને પીવડાવીએ તો ખરા પણ ઘાસ વગર ખવડાવવું શું? વેચાતું પાણી વેચાતું ઘાસ ક્યાં સુધી લાવવું? છોકરાઓ ભણાવવા કે પાણી ગોતવા જવું? ચૂંટણી આવી રહી છે પણ અમે વોટિંગ નથી કરવાના અમારે પેલા પાણી જોઇએ છે પછી જ વોટ આપીશું.

નેતાઓ 6 મહિનાના વાયદા કરીને જાય, પછી ન નેતા આવે કે ન પાણી.
હવે તો હિજરત કરવાની તૈયારીમાં છીએ
ડાલીસણા ગામના ખેડૂત મોંઘજી ચૌધરીએ જણાવ્યું કે, ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે. અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી અમારા ત્રણ ગામોમાં પાણી નહીં મળે ત્યાં સુધી અમે મતદાન કરવાના નથી. અમે ટેન્કરોથી પાણી લાવીને કંટાળ્યા છીએ, હવે હિજરત કરવાની તૈયારીમાં છીએ.. એક ગામમાં એક દિવસના 20થી 25 ટેન્કરો બહારથી વેચાતુ પાણી લાવીએ છીએ. એક ટેન્કરનો ખર્ચ 400થી 500 રૂપિયા થાય છે. સરકાર અમારાથી હોરમાયું વર્તન કરી રહી છે. તો ફુલજીભાઈએ જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે નેતાઓ આવે અને 6 મહિનામાં પાણી આપવાના વાયદા કરીને જતા રહે, પછી ન તો પાણી આવે કે ન તો નેતા.. કુવાઓમાં ક્યાંય પીવાનું પાણી નથી. નર્મદાનું પાણી છેક ભુજમાં જાય પણ અહિંયા નથી આવતું. ધરોઇ ડેમ સાવ નજીક હોવા છતાં અમને પાણી મળતું નથી.

પાણી વગર ત્રણેય ગામોની જમીન ઉજ્જડ થઇ ગઇ છે.
વેરાઇ માતાની બાધા છે, મતદાન નહીં કરીએ
ડાવોલ ગામના લક્ષ્મણજીએ જણાવ્યું કે, અમે ખેતીનો વ્યવસાય કરીયે છીએ, છેલ્લા 20 વર્ષથી પાણીનો પ્રશ્ન ત્રણ ગામોમાં છેં. અમારા વિસ્તારમાં કોઈ સિંચાઈ યોજના આવી નથી. ખેરાલું તાલુકામાં બે ડેમ આવેલા ધરોઈ અને મુક્તેશ્વર, પણ અમને પાણી મળતું નથી. આ મામલે અમારા ત્રણ ગામના તમામ લોકોએ વેરાઈ માતાના મંદિરે બાધા લીધી છે કે, જ્યાં સુધી ત્રણ ગામોમાં પાણી નહીં મળે ત્યાં સુધી અમે કોઇપણ ચૂંટણીમાં મતદાન કરશુ નહીં. ગામના બળદેવ ગીરી ગૌસ્વામીએ કહ્યું કે, છેક 2002માં વડાપ્રધાન મોદીએ પાણી આપવાનું વચન આપ્યું હતું. રૂપેણ નદીને જીવંત કરવા અને ચીમનબાઈ સરોવર ભરવાની વાત કરી હતી. વર્ષો વીતી ગયા પણ આમાંનું કંઇપણ થયું નહીં. કંટાળીને છેલ્લા ત્રણ વર્ષથી તમામ ચૂંટણીનો બહિષ્કાર અમે કર્યો છે. ગામમાં હાલમાં નેતાઓ આવે છે, પણ કોઈ સભાઓ કરતા નથી માત્ર આંટો મારીને નીકળી જાય છે. એમને ખબર છે કેસ પાણી નહીં આપીએ ત્યાં સુધી ગ્રામજનો એકના બે નહીં થાય.

ધરોઇ ડેમ સાવ નજીક હોવા છતાં આ ગામો પાણીથી વંચિત છે.
2.24 લાખ મતદારો પણ વિકાસના નામે મીંડું
ખેરાલુ વિધાનસભામાં 2 લાખ 24 હજાર 235 મતદારો છે. આ વિધાનસભામાં 90 ટકા લોકો ખેતી ઉપર નિર્ભર હોવા છતાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી. ધરોઈ ડેમ આ વિધાનસભામાં હોવા છતાં સ્થાનિકોને કોઈ લાભ મળતો નથી. ખેરાલુ વિધાનસભાના આ ત્રણ સહિત અન્ય 23 ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન એરણે છે. અહિંયા એકપણ મોટો ઉદ્યોગ નથી. GIDCનું પણ બાળ મરણ થયું છે. શિક્ષણ માટે પણ આ વિસ્તારમાં ખૂબ ઓછી સવલત ઉપલબ્ધ છે. આ વખતે અહીંયા ભાજપમાંથી સરદારભાઈ ચૌધરી, કોંગ્રેસમાંથી મુકેશ દેસાઈ અને આમ આદમી પાર્ટીમાંથી દિનેશ ઠાકોર મેદાને છે.