ગીર સોમનાથ (વેરાવળ)35 મિનિટ પહેલા
વેરાવળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોનો લાભ લેવા બુટલેગરો સક્રીય થઈ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા જેને એલસીબીની ટીમે નાકામ બનાવીને રૂ. 1.34 લાખની કિંમતના 28 પેટી દારૂનો જથ્થા સાથે નંબર વગરની નવી નકોર સ્વીફ્ટ કાર જપ્ત કરી છે. જો કે, દારૂ ભરીને આવી રહેલા તાલાલાનો બુટલેગર રાત્રીના અંધારામાં કાર મુકીને નાસી ગયો હતો. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બુટલેગર દારૂ ભરી વેરાવળ તરફ આવી રહ્યો હતો
ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાની કડક અમલવારી અર્થે પોલીસની જુદી જુદી ટીમો રાઉન્ડ ધ ક્લોક સતત પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન ગતરાત્રીના એલસીબીના રામદેવસિંહ જાડેજા અને નટુભા બસીયાને બાતમી મળેલી કે, તાલાલાનો બુટલેગર રામા નારણ રબારી એક નંબર વગરની સ્વિફ્ટ કારમાં દારૂ ભરીને વેરાવળ તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબીના પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ વી.કે. ઝાલાએ સ્ટાફ સાથે રાત્રીના બારેક વાગ્યા આસપાસ તાલાલા રોડ ઉપર વોચમાં હતા.

બુટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ત્યારે ઈણાજ ગામના પાટીયા નજીક દુરથી પોલીસ સ્ટાફને જોઈ જતા બુટલેગર રામો રબારી પાંજરાપોળ વાડીની બાજુના કાચા રસ્તા તરફ નાસી જતા પ્રયાસ કરી તે સમયે પોલીસ સ્ટાફે પીછો કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ રસ્તો કાચો હોવાથી કાર ત્યાં ફસાઈ જતા બુટલેગર રામો કાર રેઢી મુકીને અંધારાનો લાભ લઇ વાડી વિસ્તાર તરફ નાસી ગયો હતો. બાદમાં કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 28 પેટી 336 નંગ બોટલો કિં. રૂ. 1 લાખ 34 હજાર 400નો મુદ્દામાલ મળી આવતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. આ દારૂનો જથ્થો તથા નંબર વગરની સ્વીફ્ટ કાર જપ્ત કરી પ્રભાસપાટણ પોલીસમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો નાસી ગયેલા બુટલેગર રામા નારણ રબારીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.