Thursday, November 3, 2022

સાયલાની 22 હજારની જનતા માથે ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવાની ભીતિ

[og_img]

  • સાયલા ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામજનો સાથે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી
  • ગત ચોમાસામાં ઓછા વરસાદને લીધે હાલ થોરીયાળી ડેમમાં માત્ર 3.50 ફુટ જ પાણીનો જથ્થો
  • ડેમમાં પાણી ચોરી અટકાવવા, ડેમનું પાણી ખાણ વિસ્તારમાં ઠાલવવા માંગ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરની અંદાજે 22 હજારથી વધુની વસ્તી છે. સાયલાના નગરજનોને પીવાનું પાણી થોરીયાળી ડેમમાંથી આપવામાં આવે છે. ત્યારે ગત ચોમાસામાં ઓછા વરસાદને લીધે થોરીયાળી ડેમમાં હાલ પાણીનો જથ્થો માત્ર 3.50 ફુટ જ રહ્યો છે. આથી પાણી માટેનું આગોતરૂ આયોજન નહી થાય તો ઉનાળામાં સાયલાના લોકોને પાણી માટે પરેશાની વેઠવી પડે તેવી સ્થિતિ ઉભી થવાની શકયતા સાથે સાયલા સરપંચે કલેકટર કચેરીમાં ગુરૂવારે લેખિત રજુઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાંથી 6 તાલુકામાં નગરપાલિકા છે. જયારે, અન્ય 4 તાલુકા સાયલા, ચુડા, લખતર અને મૂળીમાં ગ્રામ પંચાયત આવેલી છે. આ 4 ગ્રામ પંચાયતોમાંથી સૌથી મોટી ગ્રામ પંચાયત સાયલાની ગણાય છે. સાયલા શહેરની અંદાજે 22 હજારથી વધુની વસ્તી છે. સાયલા શહેરના લોકોને આઝાદી બાદથી કોઈ દિવસ પીવાના પાણીનું સુખ નસીબ થયુ નથી. હાલના સમયે પણ અઠવાડીયે પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે આગામી ઉનાળાના સમયે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા સાયલા સરપંચે કલેકટર કચેરીમાં ગુરૂવારે લેખિત રજુઆત કરી હતી.

આ રજુઆતમાં સાયલા સરપંચ અજયરાજસીંહ ઝાલા, વીરસંગભાઈ અઘારા, મહાવીરસીંહ પરમાર, વાલજીભાઈ સભાણી સહીતનાઓના જણાવાયા મુજબ સાયલા શહેરની જનતાને થોરીયાળી ડેમમાંથી પીવાનું પાણી મળે છે. ગત ચોમાસમાં ઓછો વરસાદ થવાથી હાલ થોરીયાળી ડેમમાં પાણીનો જથ્થો માત્ર 3.50 ફુટ જેટલો જ છે. ત્યારે જો આગોતરૂ આયોજન ન થાય તો આ જથ્થો આગામી એકાદ માસમાં ખાલી થઈ જશે. ત્યારે સાયલા સરપંચે રજુઆત કરી આ જથ્થો નજીકના ખાણ વિસ્તારમાં નાંખી દઈ ત્યાંથી સાયલાની જનતાને પાણી અપાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

થોરીયાળી ડેમમાંથી થતી વ્યાપક પાણીચોરી

સાયલા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા થોરીયાળી ડેમમાંથી આસપાસના મદારગઢ, જસાપર, સેજકપર, છડીયાળી, ઓવનગઢ ગામના લોકો દ્વારા બેફામ પાણી ચોરી થાય છે. આથી હાલ 3.50 ફુટનો રહેલો પાણીનો જથ્થો પણ આ પાણીચોરીના લીધે વહેલો ખલાસ થઈ જશે. જેના લીધે ડેમનું પાણી નજીકના ખાણ વીસ્તારમાં નાંખી ત્યાંથી પાણી વીતરણ કરવા રજુઆતમાં માંગણી કરાઈ છે. જો ખાણ વિસ્તારમાંથી પાણી અપાય તો પાણી ચોરી ન થાય અને આ પાણી સાયલાને 2 માસ ચાલે તેમ છે.

વખતપર જુથ યોજનામાં 5 વર્ષથી સમાવેશ પણ પાણી નહી

સાયલા તાલુકામાં નર્મદા કેનાલ આધારીત વખતપર જુથ યોજના અમલી છે. જેમાં વખતપર સહીતના 7 થી 8 ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ જુથ યોજનામાં 5 વર્ષથી સાયલા શહેરનો પણ સમાવેશ કરાયો છે. પરંતુ આ સમાવેશ માત્ર કાગળ પર જ છે. હકીકતમાં આ જુથ યોજના હેઠળ સાયલાને પાણી મળે તેવી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આથી જો આ યોજના થકી સાયલાને પાણી મળે તો મોટા અંશે રાહત થઈ શકે છે.

દર વખતે ડેમના પાણી ઉનાળા સુધી ચાલતા હતા

સાયલા તાલુકાના થોરીયાળી ગામે આવેલો ડેમ સાયલા શહેરની જનતાને પીવાનું પાણી પુરૂ પાડે છે. 20 ફુટની ક્ષમતા ધરાવતા આ ડેમમાં દર વખતે ચોમાસમાં 15 થી 16 ફુટ પાણી આવે છે. પરંતુ આ વખતે ઓછા વરસાદને લીધે ડેમમાં પાણી પુરતુ ન આવતા પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતી છે. દર વખતે ડેમમાં ચોમાસામાં આવતા 15 થી 16 ફુટ પાણીથી ઉનાળા સુધી સાયલાને પીવાનું પાણી આપી શકાતુ હતુ.

Related Posts: