[og_img]
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ચેકપોસ્ટની રૂબરૂ મુલાકાત લીધી
- અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ
- દારૂ અને મોટા પ્રમાણમાં રોકડની હેરફેર પર પોલીસની ખાસ નજર રહેશે
સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે જિલ્લાને અડીને આવેલ અન્ય જિલ્લાની સરહદે પોલીસ દ્વારા 22 ચેકપોસ્ટ બનાવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ રાઉન્ડ ધ કલોક જિલ્લામાં આવતા અને બહાર જતા વાહનોનું ચેકિંગ કરી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ચેકપોસ્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી.
રાજયમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. ત્યારે ચૂંટણી વિભાગની વિવિધ ટીમો રોકડની મોટાપાયે હેરાફેરી પર ખાસ વોચ રાખી રહી છે. બીજી તરફ રેંજ આઈ.જી. અશોક યાદવની સૂચનાથી અને જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લામાં 22 ચેકપોસ્ટ બનાવાઈ છે. ઝાલાવાડની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા એમ પાંચ બેઠક પર ચૂંટણી યોજાનાર છે.
ત્યારે અસામાજીક પ્રવૃત્તિને ડામવા જિલ્લાની ભૌગોલિક રીતે સરહદે આવેલા જિલ્લા પાટણ, મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, બોટાદ, રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી અને કચ્છ જિલ્લાની સરહદે 22 ચેકપોસ્ટ બનાવાઈ છે. આ ચેકપોસ્ટ પર પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને રાતના સમયે ઝાલાવાડમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ચૂંટણીને લઈને જિલ્લામાં ઘુસાડવામાં આવતા દારૂ પર પોલીસની બાજ નજર રહેશે. આ ઉપરાંત મોટા પાયે રોકડની હેરફેર પર પણ પોલીસ વોચ રાખશે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લાના દસાડા અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકોમાં આવતી વિઠ્ઠલગઢ, પાનવા, મજેઠી, ફુલકી, મેરા ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. અને ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન પણ આપ્યુ હતુ.