ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રથમ દિવસે 47 બેઠક પર કરાયુ મંથન

Gujarat Election 2022: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે પ્રથમ દિવસ હતો. જેમા 47 બેઠકો પર વિસ્તારપૂર્વક ચર્ચા સાથે ઉમેદવારોની ટિકિટને લઈને મંથન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં 13 શહેર અને જિલ્લા માટે ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

કિંજલ મિશ્રા

| સંપાદિત: મીના પંડ્યા

નવે 03, 2022 | 10:09 p.m

ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રથમ દિવસે 47 બેઠક પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં 13 શહેર અને જિલ્લા માટે મંથન કરવામાં આવ્યુ. જેમાં નિરીક્ષકોએ આપેલા 10-10 નામોની યાદી પર ચર્ચા થઈ. અમિત શાહે પ્રદેશ પાર્લામેન્ટરી સાથે અલગથી પણ બેઠક યોજી હતી. કમલમ ખાતે અમિત શાહ મુખ્યમંત્રી અને સી. આર. પાટીલ વચ્ચે પણ બેઠક થઈ હતી.

ઉમેદવારોની પસંદગી માટે ભાજપની પ્રથમ દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 47 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ અંગે નિરીક્ષકો તથા જિલ્લાના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી. દિવસભર સૌથી વધુ જે ચર્ચા હતી એ બનાસકાંઠા જિલ્લા માટે થઈ. બનાસકાંઠા જિલ્લામાં સાત પૈકી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ સાથે જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ચર્ચા પૂર્ણ થઈ છે. દક્ષિણ ઝોનમાં ડાંગ, વલસાડ વિધાનસભા બેઠકોની પણ ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે.

આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે તમામ વિધાનસભા બેઠકો ઉપર પાંચ-પાંચ લોકોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. એ તમામ નામની અંદર એક એક મહિલા દાવેદારનું નામ પણ ઉમેરવામાં આવ્યુ છે. જો કે ટિકિટ કોને મળશે તેનો નિર્ણય હજુ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મુક્તા પહેલા ત્રણ દિવસ સુધી આ બેઠકોનો દૌર ચાલશે. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અલગથી બેઠક થશે, જેમાં ત્રણ ત્રણ નામની પેનલ પણ મુકવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ભાજપમાંથી 4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે ટિકિટ માટે મંથન પ્રક્રિયા થોડી મુશ્કેલી વાળી ભાજપ માટે ચોક્કસ બની છે. જો કે ભાજપનું સ્પષ્ટ માનવુ છે કે જેને ટિકિટ આપવામાં આવશે તેની માટે ભાજપ સંગઠન એક જૂથ થઈ કામ કરશે.

Previous Post Next Post