વલસાડનો ઓરંગા નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં, 60 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્યા સળિયા

Valsad: વલસાડ તાલુકામાં આવેલો ઓરંગા નદી પરનો બ્રિજ 60 વર્ષ જૂનો છે અને જર્જરિત બન્યો છે. 42 ગામોને જોડતો આ બ્રિજની મરમ્મત કરવામાં નહીં આવે તો દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે તેવી અહીંના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે.

વલસાડનો ઓરંગા નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં, 60 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્યા સળિયા

ઓરંગા નદી

મોરબીની ઝુલતા પૂલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ રાજ્યમાં એવા સેંકડો પાક્કા બ્રિજ છે જે હવે જર્જરિત થયા છે અને દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. વલસાડ તાલુકાનો 42 ગામોને જોડતો ઓરંગા નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમા છે. છતા તંત્ર મોરબી જેવી જ બેદરકારી રાખી રહ્યુ છે. આવુ એટલા માટે કહેવું પડે છે કેમકે આ પુલ સદંતર જર્જરિત થઈ ચુક્યો છે. વલસાડ શહેરથી ગુંદલાવ સહિત 42 ગામને જોડતો ઔરંગા નદીનો બ્રિજ જર્જરીત બન્યો છે.

આમ તો આ બ્રિજ સેંકડો વાર મીડિયામાં ઝળકી ચુક્યો છે કેમ કે ચોમાસાના સમયમાં નદીમાં પાણી વધે ત્યારે આ બ્રીજ પરથી પાણીનો પ્રવાહ પસાર થતો હોય છે અને વાહનોની અવરજવર માટે બ્રીજ બંધ કરવામાં આવે છે. જોકે 1952ની સાલમાં બનેલો આ બ્રીજ હવે જર્જરિત થઇ ગયો છે. ઉપરથી ભલે આ બ્રીજ તમને સારો દેખાતો હશે, પરંતુ બ્રીજના પીલ્લર ખખડી ગયા છે અને સળિયા દેખાઈ રહ્યા છે.

આ બ્રીજ 60 વર્ષ જૂનો છે. પરંતુ ઉપર ડામર પાથરવા સિવાય કોઈ કામ થયું નથી. જે સમયે આ બ્રિજ નિર્માણ પામ્યો હતો, ત્યારે ટ્રાફિક ખુબજ ઓછો હતો. માંડ માંડ વાહનો દેખાતા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રોજના હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, પરંતુ લોકો પાસે કોઈ છૂટકો નથી કેમકે અગર તેઓ બીજો રસ્તો અપનાવે તો લગભગ 20 કિલોમીટરનો ઘેરાવો લેવો પડે છે.

વલસાડમાં નાનકડી રેલ આવે તો પણ આ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે, અને રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ સમયે લોકોએ બીજા રસ્તા શોધવા પડે છે. જોકે નદીના પાણીના પ્રકોપ વચ્ચે ઉભા આ બ્રિજના પાયા ક્યારે પણ જવાબ આપે એ કહેવાય નહીં.આજે નહિ પણ આજથી 15 વર્ષ પહેલાં પણ સ્થાનિક સરપંચે અનેક વાર આર.એન્ડ.બીને રજૂઆત કરી છે. કેટલીક વાર બોર્ડમાં ઠરાવ મંજૂર કરીને પણ રજૂઆતો કરી છે. જોકે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એટલે કે આજે નહિ પણ 15 વર્ષ પહેલાં પણ આ બ્રીજમાં થોડા થોડા સળિયા દેખાતા હતા. બીજી બાજુ સ્થાનિક આગેવાનોએ પણ માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરી છે, પરંતુ જાણે કોઈને કંઈ પડી જ ન હોય એમ કોઈ કાર્યવાહી થતી નથી.

ઉપરનો રસ્તો તૂટે એટલે બર ડામર પાથરીને પતંગને ગુંદરપટ્ટી લગાડવા જેવું કામ કરવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કામ પાછળ લાખ્ખો અને કરોડોના બીલ બની ચુક્યા હશે. પરંતુ નેતાઓને લોકોની ફિકર ન હોવાથી અધિકારીઓ પણ તેમને ગાંઠતા નથી.

આ માર્ગ પરથી કેટલાક ભારે વાહનો અને સ્કૂલ બસો પણ પસાર થાય છે. નાના વાહનોની પણ ભારે માત્રામાં અવરજવર થાય છે. તેમ છતાં શા માટે માર્ગ અને મકાન વિભાગને મામલાની ગંભીરતા સમજાતી નથી એ એક સવાલ છે. ખરેખર તો આ બ્રીજ માત્ર નવો બનાવાવાની જ નહિ પણ ઊંચો કરવાની પણ તાતી જરૂર છે.જેથી ચોમાસા દરમિયાન નદીનું પાણી અવરોધ ન બને.

Previous Post Next Post