આણંદ જિલ્લાની 7 બેઠક પર 5 ડિસેમ્બરે યોજાશે મતદાન, જિલ્લામાં 1,810 મતદાન મથક પર 17,64,634 મતદારો કરશે મતદાન

Anand: જિલ્લાની 7 બેઠકો પર આગામી 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 1810 મતદાન મથકો પર 17 લાખ 64 હજાર 634 મતધારો તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ જિલ્લામાં આજથી (03.11.22) આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવશે.

આણંદ જિલ્લાની 7 બેઠક પર 5 ડિસેમ્બરે યોજાશે મતદાન, જિલ્લામાં 1,810 મતદાન મથક પર 17,64,634 મતદારો કરશે મતદાન

કલેક્ટર ડી.એસ.ગઢવી

ભારતની ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો આજથી અમલ થતા જ આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.એસ.ગઢવીએ જણાવ્યુ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવાની સાથે પ્રિન્ટ/ઈલેકટ્રોનિક મીડિયા સાથે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવીએ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આણંદ જિલ્લામાં કુલ 17,64,384 મતદારો નોંધાયેલા છે તે પૈકી 33,516 નવા યુવા મતદારો નોંધાયા છે. જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓનો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી 112-આણંદ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 3,13,857 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,59,122 પુરૂષ, 1,54,730 સ્ત્રી અને 05 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા 2,20,663 મતદારો 114-સોજિત્રા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. જેમાં 1,13,821 પુરૂષ, 1,06,835 સ્ત્રી અને 07 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 108-ખંભાત વિધાનસભા બેઠકમાં 12,0685 પુરૂષ, 1,12,702 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 2,33,388 મતદારો, 109-બોરસદ વિધાનસભા બેઠકમાં 1,34,658 પુરૂષ, 1,26,523 સ્ત્રી અને 05 થર્ડ જેન્ડર મળી કુલ 2,61,186 મતદારો, 110-આંકલાવ વિધાનસભા બેઠકમાં 1,14,846 પુરૂષ અને 1,10,234 સ્ત્રી મતદારો મળી કુલ 2,25,080 મતદારો, 111-ઉમરેઠ વિધાનસભા બેઠકમાં 1,38,160 પુરૂષ, 1,32,743 સ્ત્રી અને 05 થર્ડ જેન્ડર મળી કુલ 2,70,908 મતદારો અને 113-પેટલાદ વિધાનસભા બેઠકમાં 1,22,018 પુરૂષ, 1,17,177 સ્ત્રી અને 107 થર્ડ જેન્ડર મળી કુલ 2,39,302 મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવીએ આણંદ જિલ્લામાં નોંધાયેલ મતદારોમાં 15,958 દિવ્યાંગ મતદારો, 130 થર્ડ જેન્ડર અને 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 34,693 મતદારો નોંધાયા હોવાની જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે 1810 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં 108-ખંભાતમાં-240, 109-બોરસદમાં-264,110-આંકલાવમાં-242, 111-ઉમરેઠમાં 289,112-આણંદમાં-301,113-પેટલાદમાં-239 અને 114-સોજિત્રામાં-235 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર સાત-સાત મળી કુલ-49 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે, જે તમામ મતદાન મથકો મહિલા કર્મચારીઓ સંચાલિત હશે. જ્યારે સાતેય વિધાનસભા બેઠકોમાં એક-એક મળી કુલ સાત-સાત દિવ્યાંગ અને આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત 112-આણંદ વિધાનસભામાં 1 યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવીએ માહિતી આપી હતી.

આણંદ જિલ્લાના કુલ 1810 મતદાન મથકો પૈકી 50 ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ. જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવીએ આગામી 5મી ડિસેમ્બર, 2022ના રોજ યોજાનાર આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સમગ્ર રાજયમાં આણંદ જિલ્લો મતદાનમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી 90 ટકાથી વધુ મતદાન કરી પ્રથમ આવે તે માટેના મતદાન જાગૃતિના કાર્યમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી આણંદ જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ સમાન આ સામાન્ય ચૂંટણીમાં તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરવા અપીલ કરી હતી.

Previous Post Next Post