સાબરડેરી દ્વારા માર્ચ થી લઈ 7 મહિનામાં 5મી વાર પશુપાલકો માટે ભાવવધારો આપ્યો, દૂધ ઉત્પાદકોને રાહત
ફરી એકવાર શનિવારે સાબરડેરી દ્વારા પશુપાલકો પાસેથી કરાતા દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 3 લાખ થી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો મળશે
Sabar Dairy દ્વારા દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરીએ ફરી એકવાર ખુશીના સમાચાર દેવ દિવાળીના તહેવારોમાં આપ્યા છે. સાબરડેરી દ્વાર વધુ એકવાર સંપાદન કરાતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગત માર્ચ માસથી લઈને નવેમ્બર માસ સુધીમાં આ સતત પાંચમી વાર ભાવ વધારો આપવામાં આવ્યો છે. આમ લગભગ સીત્તેરેક રુપિયા જેટલો પ્રતિ કિલોફેટે ભાવમાં વધારો પશુપાલકોને મળી રહેશે. શનિવારે આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જાહેરાત કરી હતી.
સાબરડેરી દ્વારા ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધમાં સમતુલ્ય 9.10 રુપિયાનો વધારો કરવામા આવ્યો છે. આમ હવે નવા ભાવ મુજબ ભેંસના દૂધના પ્રતિકિલો ફેટે 780 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધમાં સમતુલ્ય પ્રતિ કિલો ફેટે ભાવ 338.60 રૂપિયા કરાયો છે.
આગામી સપ્તાહથી અમલવારી
નવા ભાવોને આગામી સપ્તાહે શુક્રવારથી અમલમાં મુકવામાં આવશે. એટલે કે આગામી 11 નવેમ્બરથી નવા ભાવ સાથે દૂધનુ સંપાદન સાબરડેરી દ્વારા કરવામાં આવનાર છે. એટલે આમ દેવદિવાળીના તહેવારો બાદ નવા ભાવ સાથે પશુપાલકો દૂધ સાબરડેરી સાથે જોડાણ ધરાવતી સહકારી દૂધ મંડળીઓમાં દૂધને ભરાવશે. જેના થકી આગામી 21 નવેમ્બરે મળનારા નવા દશ દીવસીય હિસાબની રોકડ રકમ નવા ભાવ આધારીત ખેડૂતો અને પશુપાલકોના હાથમાં આવશે. આમ પશુપાલકોને માર્ચ બાદ પાંચમી વાર માસિક આવકમાં વધારો જોવા મળશે.
Post a Comment