Bharuch : મોરબી જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા તંત્ર એલર્ટ બન્યું, પૂનમના ભાતીગળ મેળાની તૈયારીઓનું પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું

કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ભીડ ઉપર નિયંત્રણ માટે ૩૦૦ પોલીસકર્મીઓ અને ૩૦૦ એલઆરડી અને હોમગાર્ડના જવાન મળી 600 લોકોનું પોલીસબળ ઉપરાંત અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહેશે તેમ એસપી ડો. લીના પાટીલે ટીવી 9 ને જણાવ્યું હતું.

Bharuch : મોરબી જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા તંત્ર એલર્ટ બન્યું, પૂનમના ભાતીગળ મેળાની તૈયારીઓનું પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ભાતીગળ મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી


મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે. વિવિધ સ્થળોએ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં કારતકી પૂર્ણિમાએ ભારત ભાતીગળ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષે આ મેળામાં શુકલતીર્થ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. શુકલતીર્થ ઠીકબીરવડના બેટ ઉપર જવા માટે બોટનો ઉપયોગ થાય છે ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન હાથ ધરાયા છે. મોરબીની હોનારત બાદ સતર્કતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે શુકલતીર્થ ખાતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ ભાતીગળ મેળાની તૈયારીઓની સમીક્ષા માટે શુકલતીર્થ પહોંચયાં હતાં.પોલીસવડાએ સ્થાનિક પોલીસકર્મીઓને સાથે રાખી ભાતીગળમેળામાં મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા, મનોરંજન વિભાગમાં ચકડોળ અને ખાણીપીણીના સ્ટોલમાં આગના બનાવ ન બને તે માટે સલામતી, પાર્કિંગની વ્યવસ્થા અને ખાસ કરીને બોટીંગની વ્યવસ્થાની માહિતી મેળવી પડી. ડો. લીના પાટીલે 15 બોટ હાજર રાખવા સૂચના આપી હતી. આ ઉપરાંત બોટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ માટે લાઈફ જેકેટ અને તરવૈયાઓની વ્યવસ્થા રાખવા આયોજકોને જણાવ્યું હતું.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ભીડ ઉપર નિયંત્રણ માટે ૩૦૦ પોલીસકર્મીઓ અને ૩૦૦ એલઆરડી અને હોમગાર્ડના જવાન મળી 600 લોકોનું પોલીસબળ ઉપરાંત અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહેશે તેમ એસપી ડો. લીના પાટીલે ટીવી 9 ને જણાવ્યું હતું.

મોરબી દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર એલર્ટ

મોરબી દુર્ઘટના બાદ વડોદરામાં પણ મનપા સફાળુ જાગ્યું છે. વડોદરા શહેરના કૃષ્ણનગરમાં જોખમી લાકડાનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે મોરબી જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપાના અધિકારીઓએ પગદંડી બ્રિજ તોડી પાડયો હતો. આ જ રીતે પ્રવાસન સ્થળો પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી 26 બોટોને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

નર્મદાના કાંઠા સહીત પ્રવાસન સ્થળોએ બિન જરૂરી ભીડ એકઠી થવા દેવાશે નહીં

પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો ધરાવતા પોલીસ સ્ટેશનોની ટીમને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. પર્યટકો અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ટ્રાફિક જામ કે અનિયંત્રિત ભીડ જેવા સંજોગો સર્જાય તો તાત્કાલિક ડાયવર્ઝન અને ટ્રાફિક અટકાવવા સહિતના નિર્ણય લેવા આયોજન કરાયા છે. આકામગીરી ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાનો અંદાજ છે. કોઈ અવ્યવસ્થા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જાતે આયોજન ઉપર નજર રાખી રહયા છે.

Previous Post Next Post