ભરૂચ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ભરૂચ બેઠક બિપિન શાહ અને દુષ્યંત પટેલને 3 વખત રીપીટ કરાયાં હતા
ભરૂચ વિધાનસભા બેઠકની ચાલુ વર્ષે 14મી વખત ચૂંટણી થવા જઇ રહી છે. આ બેઠક પર 6 વખત કોંગ્રેસ અને 7 વખત ભાજપનો વિજય થયો છે. આ બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહયો છે. આ બેઠક પર 1962માં સૌ પ્રથમ વખત થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટનો વિજય થયો હતો.
1990થી આ બેઠક પર કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શકયો નથી. આ બેઠક પર ભાજપે 3 ટર્મથી વધારે કોઇ ઉમેદવારને ટિકિટ આપી નથી. ભાજપની વાત કરવામાં આવે તો 1990,1995 અને 1998માં ભાજપના ઉમેદવાર બિપિન શાહ હતાં અને 2002માં તેમના સ્થાને રમેશ મિસ્ત્રીને ટિકિટ અપાય હતી. 2007માં રમેશ મિસ્ત્રીને હટાવી દુષ્યંત પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં.
તેઓ 2007,2012 અને 2017માં આ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયાં છે. આમ ભાજપે કોઇ પણ ઉમેદવારને ચોથી ટર્મ માટે ટિકિટ આપી નથી. કોંગ્રેસની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસ છ વખત વિજેતા બની છે.
આ બેઠક પર કોંગ્રેસે સ્વ. જયેશ પટેલને સૌથી વધુ ચાર વખત ટિકિટ આપી હતી જયારે મહંમદ ફાંસીવાલા અને પિયુષ ઠાકોરને બે વખત ટિકિટ અપાઇ હતી. મહંમદ ફાંસીવાલા અને પિયુષ ઠાકોર ધારાસભ્ય બન્યાં હતાં પણ જયેશ પટેલ એક પણ વખત ધારાસભ્ય બની શકયાં ન હતાં.
ભરૂચ બેઠક પર 2017નો વોટશેર
રાજકીય પક્ષ ઉમેદવારને મળેલા મત વોટશેર ( ટકામાં)
ભાજપ 99,699 57.83 ટકા
કોંગ્રેસ 66,660 38.6 3 ટકા
( નોંધ : આ બેઠક માટે કુલ 1,72,396 મતદારોએ મત આપ્યો હતો)