Thursday, November 17, 2022

દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીઓમાંથી એક છે વર્લ્ડકપની ટ્રોફી, જાણો ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ

ફિફા વર્લ્ડકપની આ ટ્રોફીને જીતવાના સપના દરેક ખેલાડી જોઈ છે. તેવામાં ઘણાના સપના પૂરા થાય છે અને ઘણાના અધૂરા જ રહી જાય છે. ફિફા વર્લ્ડકપની આ ટ્રોફી સાથે અનેક રસપ્રદ વાતો તમને આ અહેવાલમાં જાણવા મળશે.

દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીઓમાંથી એક છે વર્લ્ડકપની ટ્રોફી, જાણો ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ

ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનો ઇતિહાસ

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx

20 નવેમ્બરથી કતારની ધરતી પર ફૂટબોલનો મહાકુંભ શરુ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં 32 દેશની ફૂટબોલ ટીમ ભાગ લેશે. 29 દિવસના આ ફૂટબોલ વર્લ્ડકપમાં 832 ખેલાડીઓ મેદાન પર ઉતરશે. તેમનો દરેક ગોલ તેમને ફિફા વર્લ્ડકપ ટ્રોફીની સૌથી નજીક લઈ જશે. ફિફા વર્લ્ડકપની ટ્રોફી દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીમાંથી એક માનવામાં આવે છે. આ ટ્રોફીને ખાસ રીતે ડિઝાઈન કરીને બનાવવામાં આવી છે. ફિફા વર્લ્ડકપની આ ટ્રોફીને જીતવાના સપના દરેક ખેલાડી જોઈ છે. તેવામાં ઘણાના સપના પૂરા થાય છે અને ઘણાના અધૂરા જ રહી જાય છે. ફિફા વર્લ્ડકપની આ ટ્રોફી સાથે અનેક રસપ્રદ વાતો તમને આ અહેવાલમાં જાણવા મળશે.

ફિફા વર્લ્ડ કપ ટ્રોફી ટૂર

વર્લ્ડકપ પહેલા ફિફા વર્લ્ડકપ ટ્રોફીની ટૂર યોજવામાં આવી હતી. આ ટૂર દરમિયાન ફિફા વર્લ્ડકપની ટ્રોફી દુનિયાના 51 દેશમાંથી પસાર થઈ હતી. આ 51 દેશોમાં વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશો પણ સામેલ છે. આ ટૂર દરમિયાન અનેક દેશના ફૂટબોલ ફેન્સ વર્લ્ડકપની ટ્રોફીને વધારે નજીકથી જોઈ શક્યા હતા અને તેની સાથે ફોટો પડાવવાની તક પણ તેમને મળી હતી.

ફિફા વર્લ્ડકપ ટ્રોફીનો રસપ્રદ ઈતિહાસ

ફિફા વર્લ્ડકપમાં વિજેતા બનનાર ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે, તે ટ્રોફીને દુનિયાની સૌથી મોંઘી ટ્રોફીમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 1930થી ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ, ત્યારથી લઈને હમણા સુધી 2 ટ્રોફીનો ઉપયોગ થયો છે. આ ટ્રોફી 2 અલગ વ્યક્તિઓએ બનાવી છે. આ ટ્રોફી સાથે રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે. ચાલો જાણીએ તેના ઈતિહાસ અને ખાસિયત વિશે.

ફિફા વર્લ્ડકપની જૂની ટ્રોફી

ફિફા વર્લ્ડકપની પ્રથમ ટ્રોફીનું મૂળ નામ ‘વિક્ટરી’ રાખવામાં આવ્યું હતુ, પરંતુ બાદમાં ફિફા પ્રમુખ જુલ્સ રિમેટના માનમાં તેનું નામ બદલવામાં આવ્યું હતુ. જુલ્સ રિમેટ એ જ વ્યક્તિ છે જેમણે ફૂટબોલ વર્લ્ડકપનો પ્રસ્તાવ મુક્યો હતો. આ ટ્રોફી તે ગોલ્ડ પ્લેટેડ સ્ટર્લિંગ સિલ્વર અને લેપિસ લાઝુલીથી બનેલી હતી. તેમા વિજયની ગ્રીક દેવી નાઈકીનું નિરૂપણ કરવામાં આવ્યુ હતુ. અસલ જુલ્સ રિમેટ ટ્રોફી 1983માં ચોરાઈ ગઈ હતી અને તે ક્યારેય ફરી મળી નથી.

Jules Rimet Trophy તરીકે આ ટ્રોફીને ઓળખવામાં આવે છે. તે 35 સેમી લાંબી, 8.4 કિલો વજનની ટ્રોફી હતી. તેનો આધાર લેપિસ લાઝુલી વાદળી પથ્થર હતો. આ ટ્રોફીના ડિઝાઈનર Abel Lafleur હતા. આ ટ્રોફીની 2 વાર ચોરી થઈ હતી. બીજીવાર ચોરી થયા પછી ટ્રોફી ચોરી થયા પછી ફરી ના મળતા નવી ટ્રોફી બનાવી પડી હતી.

ફિફા વર્લ્ડકપની હાલની ટ્રોફી

હાલની ફિફા વર્લ્ડકપ ટ્રોફી વર્ષ 1974માં રજૂ કરવામાં આવી હતી. આ ટ્રોફી 18 કેરેટ ગોલ્ડની બનેલી છે. તે 37 સેમી લાંબી, 6 કિલોની ટ્રોફી છે. તેની કિંમત 20 મિલિયન ડોલર છે. ટ્રોફીના નીચેના ભાગમાં વિજેતા ટીમના નામ લખવામાં આવે છે વર્ષ 2038ના ફિફા વર્લ્ડકપ સુધી વિજેતા ટીમના નામ લખી શકાય તેટલી જગ્યા આ ટ્રોફીમાં છે. આ ટ્રોફીના ડિઝાઈનર  Silvio Gazzaniga હતા.