વૈકુંઠ ચતુર્દશીએ આ રીતે કરો હરિહરની ઉપાસના, જીવનના તમામ કષ્ટ થઈ જશે નષ્ટ !

માન્યતા અનુસાર વૈકુંઠ ચતુર્દશીએ (Vaikuntha Chaturdashi ) ભગવાન શિવની પૂજા કરવાથી જીવમાત્રના સમસ્ત પાપોનો અંત થઈ જાય છે. તો તેની સાથે જ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવને પ્રભુના વૈકુંઠમાં વાસ મળે છે !

વૈકુંઠ ચતુર્દશીએ આ રીતે કરો હરિહરની ઉપાસના, જીવનના તમામ કષ્ટ થઈ જશે નષ્ટ !

હરિ-હર (પ્રતિકાત્મક છબી)

હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની પૂનમ પહેલા આવતી ચૌદસની તિથિ, એટલે કે ચતુર્દશીનું એક આગવું જ મહત્વ છે. કારતક માસના શુક્લ પક્ષની આ ચતુર્દશીને વૈકુંઠ ચતુર્દશીના નામે ઓળખવામાં આવે છે. આ વૈકુંઠ ચતુર્દશીના અવસર પર હરિહર બંન્ને, એટલે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે. માન્યતા અનુસાર વૈકુંઠ ચતુર્દશીએ ભગવાન શિવની પૂજા કરવાથી જીવમાત્રના સમસ્ત પાપોનો અંત થઈ જાય છે. તો તેની સાથે જ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે, એટલે કે વૈકુંઠમાં વાસ મળે છે. તો ચાલો, આજે આપણે પણ આ વિશેષ અવસરના પૂજાવિધાન જાણીએ.

વૈકુંઠ ચતુર્દશી 2022 તિથિ

કારતક માસના સુદ પક્ષની ચતુર્દશી તિથિને વૈકુંઠ ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. આ તિથિનો આરંભ 6 નવેમ્બર, રવિવારની સાંજે 4:28 કલાકે થવાનો છે અને આ તિથિનું સમાપન 7 નવેમ્બર, સોમવારે સાંજે 4:15 કલાકે થશે. જો કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિશિતાકાળમાં એટલે કે મધ્યરાત્રીએ કરવામાં આવે છે. આ જ કારણથી વૈકુંઠ ચતુર્દશીનો તહેવાર આ વખતે 6 નવેમ્બર, રવિવારે ઉજવવામાં આવશે.

વૈકુંઠ ચતુર્દશી 2022 શુભ મુહૂર્ત

વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિશિતાકાળમાં કરવામાં આવશે. નિશિતાકાળનું મુહૂર્ત 6 નવેમ્બરે રાત્રે 11:45 કલાકે શરૂ થશે. જે પોણો કલાક બાદ 12:37 કલાકે પૂર્ણ થશે.

વૈકુંઠ ચતુર્દશીની પૂજા વિધિ

⦁ વૈકુંઠ ચતુર્દશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇ જવું.

⦁ સ્નાન કર્યા બાદ ભગવાન હરિહરનું સ્મરણ કરવું.

⦁ હાથ જોડીને વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુની 108 કમળના પુષ્પોથી પૂજા કરવી.

⦁ આ દિવસે ભોળાનાથની પણ 108 બીલીપત્રથી પૂજા કરવી.

⦁ યાદ રાખો, આ દિવસની શિવપૂજા એ ભગવાન વિષ્ણુની પૂજા વિના અપૂર્ણ મનાય છે !

⦁ આ દિવસે આસન ગ્રહણ કરીને જેટલું થઇ શકે એટલું શ્રીહરિ અને શિવજીના નામનું ઉચ્ચારણ કરવું.

⦁ પૂજા દરમ્યાન નીચે આપેલ મંત્રનો અવશ્ય જાપ કરવો.

ફળદાયી મંત્ર

વિના યો હરિપૂજાં તુ કુર્યાદ્ રુદ્રસ્ય ચાર્ચનમ્ ।

વૃથા તસ્ય ભવેત્પૂજા સત્યમેતદ્વચો મમ ।।

ફળપ્રાપ્તિ

માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ દિવસે ભગવાન હરિહરની એકસાથે પૂજા-આરાધના કરે છે, તેના જીવનના તમામ પાપ અને કષ્ટોનો અંત આવી જાય છે. જ્યાં ભગવાન વિષ્ણુની આરાધનાથી જીવનમાં આર્થિક અને માનસિક બળની પ્રાપ્તિ થાય છે, ત્યાં જ ભગવાન શિવની આરાધનાથી ભૌતિક જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ભગવાન ભોળાનાથની પૂજાથી ભય, પાપ અને દરેક પ્રકારના સંતાપોનો નાશ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Previous Post Next Post