Saturday, November 26, 2022

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગેસ સિલિન્ડર કૌભાંડનો કર્યો પર્દાફાશ, ઝડપાયેલા આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઇ

તાજેતરમાં જ અમદાવાદની (Ahmedabad) વાડજ પોલીસે એક શખ્સની ગેસ સિલિન્ડર કૌભાંડમાં ધરપકડ કરીને કાર્યવાહી કરી. ત્યાં બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ ખાતે થરા પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં એક વ્યક્તિ રહેઠાણ વિસ્તારમાં જે રાંધણ ગેસનો બાટલો 1 હજાર આસપાસ મળતો તે 1200 થી 1500માં બ્લેકમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગેસ સિલિન્ડર કૌભાંડનો કર્યો પર્દાફાશ, ઝડપાયેલા આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઇ

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગેસ સિલિન્ડર કૌભાંડ ઝડપાયુ

એક તરફ હાલમાં ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે. જે આસમાને રહેલા ભાવથી ગૃહિણીઓ સહિત લોકોનું બજેટ ખોવાયેલું છે. ત્યાં બીજી તરફ ગેસ સિલિન્ડરમાં કૌભાંડ આચરતા લોકોની ટોળકીઓ પણ સક્રિય છે. તાજેતરમાં જ વાડજ વિસ્તારમાંથી ગેસ સિલિન્ડર કૌભાંડમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. ત્યાં બીજી તરફ તે જ દિવસે બનાસકાંઠાના કાંકરેજ ખાતે ગેસ સિલિન્ડર કૌભાંડ સામે આવ્યુ છે. જ્યાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલા નું વેચાણ તો કરાતું જ હતું. પરંતુ સાથે જ ગેસ સિલિન્ડરમાંથી અન્ય ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરીને પણ કૌભાંડ આચાર્યા હોવાનું સામે આવ્યું છે. જે અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ દરોડા પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

તાજેતરમાં જ વાડજ પોલીસે એક શખ્સની ગેસ સિલિન્ડર કૌભાંડમાં ધરપકડ કરીને કાર્યવાહી કરી. ત્યાં બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ ખાતે થરા પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં એક વ્યક્તિ રહેઠાણ વિસ્તારમાં જે રાંધણ ગેસનો બાટલો 1 હજાર આસપાસ મળતો તે 1200 થી 1500માં બ્લેકમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ. તેમજ એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરીને કૌભાંડ આચરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. એટલે કે ઓછો ગેસ આપી વધુ ભાવ વસૂલી કૌભાંડ આચરવામાં આવતું. જે કૌભાંડની ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને જાણ થતા બનાસકાંઠાની ટીમે દરોડા પાડ્યા હતા અને સમગ્ર કૌભાંડનો પરદાફાશ કર્યો હતો. તો સાથે જ પોલીસને જાણ કરતા પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, ભરત મારવાડી નામનો વ્યક્તિ આ કૌભાંડ આચરતો હતો. જેની સામે હાલ કાર્યવાહી શરૂ કરાઈ છે. તેમજ પોલીસને ગેસ ટ્રાન્સફર કરવાની વસ્તુઓ અને 45 ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ મળી આવતા પણ તપાસ કરાઈ રહી છે.

કેમ કૌભાંડ આચરતી ટોળકીઓ હજુ પણ છે સક્રિય

એવું પણ નથી કે આ પ્રકારનું કૌભાંડ એક-બે વાર ઝડપાયું હોય,પરંતુ અગાઉ અમદાવાદ શહેર હોય કે રાજ્યના કોઈપણ શહેર કે ગામ હોય. ત્યાંથી આ પ્રકારના કૌભાંડો સામે આવ્યા છે. તેની પાછળ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખનું માનવું છે કે, લોકોની બેદરકારીના કારણે આવા તત્વોને ખુલ્લો દ્વાર મળે છે અને તેઓ કૌભાંડ આચરે છે. લોકો તેનો ભોગ બને છે. સાથે એક બાબત એ પણ ધ્યાન આવી છે કે શરૂઆતના દિવસોમાં લોકો ગેસ સિલિન્ડરને તોલીને લેતા હતા. પરંતુ આજકાલ તે પ્રક્રિયા લોકો નહીં કરતા આવા તત્વોને ખુલ્લો દ્વાર મળ્યો છે. જેના કારણે લોકોને અંદાજ નથી રહેતો કે તેમને ગેસ સિલિન્ડરમાં પુરો ગેસ મળ્યો છે કે નહીં. તેના જ કારણે આવા તત્વો ગેસ સિલિન્ડરમાંથી ગેસ ટ્રાન્સફર કરીને કૌભાંડો આચરતા હોય છે. જેને રોકવા લોકોને જાગૃત થવા માટે પણ અપીલ કરાઈ છે. તેમજ બનાસકાંઠાના કેસમાં પોલીસે ફરિયાદ ન લઈને અરજી કરતાં આ કેસમાં કડક કાર્યવાહી કરવા પણ માગ કરાય છે.

સામાન્ય રીતે અગાઉ પકડાયેલા આ પ્રકારના કૌભાંડમાં ગેસ ટ્રાન્સફર કરવા માટે બંસરી એટલે કે એક સામાન્ય પાઇપનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો, પરંતુ બનાસકાંઠાના આ કેસમાં મોટરનો ઉપયોગ કરીને ગેસ ટ્રાન્સફર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું. તેમજ જે જગ્યા ઉપર આ કૌભાંડ આચરાતું હતું તે રહેઠાણ વિસ્તાર હતો. જેના કારણે આ બાબત ગંભીર બની જાય છે. કારણ કે કેટલીક સંખ્યા ઉપરથી બાટલા સ્ટોરેજ રાખવા પર સંલગ્ન વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. જે મંજૂરી પણ આ ઘટનામાં લીધી ન હોવાનું સામે આવ્યું છે. જેથી આ મામલો હાલ ગંભીર માનવામાં આવી રહ્યો છે. તેના જ કારણે કૌભાંડી સામે કડક કાર્યવાહી થવા માગ ઉઠી છે. જેથી કરીને અન્ય આવા કૌભાંડીઓ માટે એક દાખલો ઉભો થાય અને લોકો સાથે થતી છેતરપિંડી પણ અટકાવી શકાય.

Related Posts: