Thursday, November 3, 2022

પાકિસ્તાનની જીતથી સેમિફાઇનલની રેસ બની રસપ્રદ, બદલાયા સમીકરણ

[og_img]

  • અંતિમ મુકાબલામાં પાકિસ્તાનને બાંગ્લાદેશને હરાવવું જરૂરી
  • દ.આફ્રિકા નેધરલેન્ડ સામે હારશે તો પાકિસ્તાનને થશે ફાયદો
  • ભારત ઝીમ્બાબ્વે સામે હારશે તો પાકિસ્તાનનું નસીબ ચમકશે

T20 વર્લ્ડકપ 2022ની એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ હજુ પણ અકબંધ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે (3 નવેમ્બરે) રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનો લક્ષ્ય મળ્યો હતો. પરંતુ આફ્રિકાની ટીમ નવ વિકેટે 108 રન જ બનાવી શકી હતી.

આ રીતે પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચશે

પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામેની મેચ જીતીને ગ્રુપ-2ના સમીકરણો જટિલ બનાવી દીધા છે. હવે દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામેની આગામી મેચ જીતવી પડશે, નહીં તો તે સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે. નેધરલેન્ડ સામે જીત નોંધાવ્યા બાદ જ દક્ષિણ આફ્રિકાના સાત પોઈન્ટ થશે અને તે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકશે. જો દક્ષિણ આફ્રિકા તેની છેલ્લી મેચ હારી જાય છે, તેમજ પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે જીતે છે, તો તે 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને ક્વોલિફાય થઈ જશે.

ભારત માટે જીતવું મહત્વપૂર્ણ

પાકિસ્તાનની જીત બાદ હવે ભારતીય ટીમ માટે ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવવી જરૂરી બની જશે. તાજેતરનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેને હરાવવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. જો 6 નવેમ્બરે યોજાનારી ભારત-ઝિમ્બાબ્વે મેચ ધોવાઇ જાય તો પણ મેન ઇન બ્લુ હજુ પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે કારણ કે તેઓ સાત પોઈન્ટ પર હશે જેની ઉપર પાકિસ્તાન-બાંગ્લાદેશનું પહોંચવું અશક્ય છે.

હવે બસ એક જીતની જરૂર

જો ઝિમ્બાબ્વે ભારતને હરાવે છે અને દક્ષિણ આફ્રિકા તથા પાકિસ્તાનની ટીમ પોતાની છેલ્લી મેચ જીતે છે, તો જ ભારત માટે મુશ્કેલ ઉભી થઇ શકે એમ છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના સાત પોઈન્ટ હશે અને પાકિસ્તાન-ભારતના સમાન છ પોઈન્ટ હશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે નેટ રન રેટ ચેક થશે, જેમાં પાકિસ્તાન ભારતથી આગળ છે.

ભારત હવે ન્યુઝીલેન્ડ સામે નહીં રમે!

બીજી તરફ પાકિસ્તાનની જીતનો ફાયદો ભારતને પણ થવાનો છે. ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવ્યા બાદ ભારત આઠ પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોચ પર રહી શકે છે. આવી સ્થિતિમાં તેનો મુકાબલો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અથવા ઈંગ્લેન્ડ સામે થઈ શકે છે. જો ભારતીય ટીમ બીજા સ્થાને હોત તો કદાચ તેને ગ્રુપ-1ની સંભવિત ટોપર ટીમ ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડ્યો હોત. 2019ના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડે જે રીતે ભારતને હરાવ્યું તે આજે પણ ચાહકોના મનમાં છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ પણ ભારત કરતા નબળી ટીમ નથી એવામાં સેમિફાઈનલ મુકાબલો ચોક્કસથી બરાબરીનો રહેશે.

શાદાબ-ઇફ્તિખારે અડધી સદી ફટકારી હતી

મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે એક સમયે 43 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શાદાબ-ઈફ્તિખાર વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 82 રનની ભાગીદારી પાકિસ્તાનને 185 રનના સ્કોર સુધી લઈ ગઈ હતી. શાદાબ ખાને માત્ર 22 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન શાદાબ ખાને ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈફ્તિખાર અહેમદની વાત કરીએ તો તેણે 35 બોલમાં 51 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

દક્ષિણ આફ્રિકાની હાર

જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી અને સતત વિકેટો ગુમાવી હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની વાત કરીએ તો ટેમ્બા બાવુમાએ 36 અને એડન માર્કરામે 20 રનનું યોગદાન આપ્યું હતું. શાહીન આફ્રિદીએ ત્રણ અને શાદાબ ખાને બે ખેલાડીઓને ઝડપી હતી. 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.