[og_img]
- પાકિસ્તાન સામે ત્રણ વર્લ્ડકપ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની હાર
- બે વખત ODI અને એકવાર T20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં થઇ ટક્કર
- પાકિસ્તાને બે વર્લ્ડકપ જીત્યા, ન્યુઝીલેન્ડ ખિતાબ જીતી શકી નથી
T20 વર્લ્ડકપની 8મી સિઝન સમાપ્ત થવાના આરે છે. હવે માત્ર 3 મેચ બાકી છે. 2 સેમીફાઈનલ અને ફાઈનલ મેચો રમાવાની છે. પહેલી સેમીફાઇનલ 9 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ 10 નવેમ્બરે બીજી સેમીફાઈનલમાં ટકરાશે. ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.
સેમીફાઇનલ-1માં પાકિસ્તાન-ન્યુઝીલેન્ડની ટક્કર
આવતીકાલે એટલે કે 9 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિડનીમાં પ્રથમ સેમીફાઇનલ મેચ રમાવાની છે. ગત વર્લ્ડકપમાં પણ આ બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પ્રથમ સેમીફાઇનલની વાત કરીએ તો સુપર-12માં ન્યુઝીલેન્ડે 5માંથી 3 મેચ જીતી હતી. એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામે હાર થઈ હતી. પાકિસ્તાનની વાત કરીએ તો તેને ભારત અને ઝિમ્બાબ્વેથી હાર મળી છે. ટીમે અન્ય 3 મેચ જીતી છે.
પાક. સામે ત્રણ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની હાર
બંને દેશો વચ્ચેના વર્લ્ડકપની સેમીફાઈનલના રેકોર્ડ પર નજર કરીએ તો કિવી ટીમ ક્યારેય પાકિસ્તાનને હરાવી શકી નથી. બંને ટીમો બે વખત ODI વર્લ્ડકપમાં અને એકવાર T20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં આમને-સામને આવી ચુકી છે. દરેક વખતે પાકિસ્તાન જીત્યું છે. આવી સ્થિતિમાં બાબર આઝમ 3-0નો આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પલડું ભારે
1992 ODI વર્લ્ડકપમાં બંને ટીમો પ્રથમ વખત આમને-સામને હતી. પાકિસ્તાને આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. ત્યારબાદ 1999 ODI વર્લ્ડકપની સેમીફાઈનલમાં પાકિસ્તાને કિવી ટીમને 9 વિકેટે હરાવ્યું હતું. જે બાદ 2007 T20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાને 6 વિકેટે જીત મેળવી હતી. જો આપણે T20 વર્લ્ડકપના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો બંને વચ્ચે 6 મેચ રમાઈ છે. પાકિસ્તાને 4 મેચ જીતી છે. 2007 સિવાય પાકિસ્તાને 2009માં 6 વિકેટે, 2012માં 13 રનથી અને 2021માં 5 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે 2010માં એક રનથી અને 2016માં 22 રનથી જીત મેળવી હતી
2021માં પાકિસ્તાને 5 વિકેટે હરાવ્યું
2021માં યોજાયેલ T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 136 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર હરિસ રઉફે 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. જવાબમાં પાકિસ્તાને 18.4 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 33 રન બનાવ્યા હતા.
પાકિસ્તાને બે વર્લ્ડકપ જીત્યા
ન્યુઝીલેન્ડની ટીમ હજુ સુધી T20 અને ODI વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી. જોકે ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ કબજે કર્યું છે. બીજી તરફ પાકિસ્તાને 1992માં ODI વર્લ્ડકપ અને 2009માં T20 વર્લ્ડકપ જીત્યો હતો.