ભાજપમાંથી ટિકિટ ન મળતા સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળી સમાજમાં નારાજગી, નવી રણનીતિ ઘડવાનો હુંકાર

Gujarat Election 2022: ટિકિટ ન મળતા ભાજપના ચુવાળિયા કોળી સમાજમાં નારાજગી ફેલાઈ છે, ચુવાળિયા કોળી સમાજે નવી રણનીતિ ઘડવાનો હુંકાર કર્યો છે. ટિકિટ ન મળતા ચુવાળિયા કોળી સમાજે બેઠક બોલાવી હતી અને પ્રેશર ટેકનિક સાથે રણનીતિ ઘડવાનું મન બનાવ્યુ છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવે 10, 2022 | 11:11 p.m

ભાજપે તેના 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. સૌરાષ્ટ્રમાં ચુવાળિયા કોળી સમાજને ટિકિટ ન મળતા વિરોધ શરૂ થયો છે. આવતીકાલે (11.11.22) સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળી સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. આ સમાજે પ્રેશર ટેકનિક સાથે રણનીતિ ઘડવાનું મન બનાવ્યુ છે. દેવજી ફતેપરાએ દાવો કર્યો છે કે ચુવાળિયા કોળી સમાજનું પ્રતિનિધિત્વ રહ્યુ નથી. તેમણે જણાવ્યુ કે સમાજના આગેવાનો અમારી પાસે જવાબ માગી રહ્યા છે.

દેવજી ફતેપરાએ જણાવ્યુ કે મને પણ જાણવા નથી મળ્યુ કે અમને અન્યાય શા માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ચુવાળિયા કોળી સમાજ આટલો મોટો સમાજ,જે જાગૃત, શિક્ષિત અને સંગઠિત સમાજ છે. આર્થિક રીતે પણ સદ્ધર હોવા છતા એકપણ ટિકિટ આપવામાં આવી નથી. નાનામાં નાના સમાજને ટિકિટ આપવામાં આવી છે. તેનો અમે કોઈ વિરોધ કરતા નથી પરંતુ ચુવાળિયા કોળી સમાજને ટિકિટ ન આપી અન્યાય શા માટે કરવામાં આવ્યો તેવો સવાલ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રભરના આગેવાનો, વડીલો જે નિર્ણય કરશે તે નિર્ણય પ્રમાણે તેઓ આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે મહુવામાં પણ આર.સી.મકવાણાને ટિકિટ ન મળતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી અને 300થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા તો વડોદરામાં પણ મધુ શ્રીવાસ્તવે વિરોધનો સુર દર્શાવ્યો છે તો પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલની ટિકિટ કપાતા તેમણે પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

Previous Post Next Post