- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Complaint In Election Commission Regarding Cancellation Of Both Forms Of Candidates From BTP And Independent In Vejalpur Seat Of Ahmedabad
અમદાવાદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. રાજકીય પક્ષોએ પ્રચારનો ઝંઝાવાત શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગુહમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓએ છેલ્લાં બે દિવસથી જાહેરસભાઓ યોજીને ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. આજે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. તેવા સમયે અમદાવાદના વેજલપુર મતક્ષેત્રમાંથી ભારતીય ટ્રાયબલ પાર્ટી તથા અપક્ષ ઉમેદવાદ ગોવિંદભાઇ જાદવના બંને ઉમેદવારી પત્રો રદ થતાં વિવાદ સર્જાયો છે. તેમણે આ અંગે ચૂંટણી અધિકારી સામે આક્ષેપો કરતી ફરિયાદ રાજય ચુંટણી પંચ સમક્ષ કરી છે.આ ફરિયાદની નકલ ભારતીય ચૂંટણી પંચને પણ પોસ્ટ કરી છે. તેમણે મુક્ત અને નિષ્પક્ષચૂંટણી યોજવા માટે વેજલપુર મતક્ષેત્રના ચૂંટણી અધિકારીને દૂર કરીને અન્ય અનુભવી અધિકારીની નિમણૂંક કરવાની માંગ કરી છે.
45 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
અમદાવાદના વેજલપુર મતક્ષેત્રમાંથી 45 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમાંથી 16 રદ થયાં છે અને એક ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યું હતું. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ કેટલાં ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. વેજલપુર મતક્ષેત્રના રિટર્નીંગ ઓફીસર દ્રારા 16 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. તેમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી તથા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરનારા ગોવિંદભાઇ જાદવના બંને ઉમેદવારી પત્ર રદ થયા છે. આ અંગે તેમણે રાજય ચૂંટણી પંચ, ભારતીય ચૂંટણી પંચને નોટીસ મોકલી છે.

નોટીસની નકલ ભારતીય ચૂંટણી પંચને મોકલી
આ અંગે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે મહિલા રિટર્નીંગ ઓફીસરે બરોબર ચેક કરીને સ્વીકાર્યું હતું. તે વખતે તેમણે હું અન્ય મતદાન ક્ષેત્રનો મતદાર છું તેનું અસલ મતદાર સર્ટીફીકેટ પણ માંગતા મેં બતાવ્યું હતું. પરંતુ તે જ દિવસે રાત્રે મને વોટ્સએપ પર નોટીસ મોકલીને અસલ મતદાર સર્ટીફીકેટ સાથે એફીડેવીટ રજૂ કરવા કહ્યું હતું. એફીડેવીટના દરેક પેજ પર સહી કરવાનું જણાવ્યું હતું. હું બીજા દિવસે આ પ્રક્રિયા પૂર્ણ કરી આવ્યો હતો. ત્યારબાદ 18મી નવેમ્બરના રોજ વહેલી પરોઢિયે 4-30 વાગ્યે મારે ત્યાં ચૂંટણી વિભાગના માણસો આવ્યા હતા અને બીજી નોટીસ આપી ગયા હતા. જેમાં તેમણે એચ.યુ.એફ., શેર તથા અન્ય એક બાબતે એફીડેવીટ કરીને સવારે 11 વાગ્યે આપી જવા કહ્યું હતું. પરંતુ એફીડેવીટ માટે મારે સ્ટેમ્પ પેપર, ટાઇપ કરાવવું પડે તેમ જ નોટરી રજીસ્ટ્રેશન કરાવવું પડે. આ તો કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધની વાત થઇ. તમે આઠ કલાકમાં નવી એફીડેવીટ કરવાનું કહો તો કોઇના ઘરમાં એફીડેવીટ એજન્સીના હોય. મને 24 કલાકનો સમય આપવો જોઇએ. છતાં મે તમામ બાબતો ફૂલફીલ કરી હોવા છતાં સ્ક્રુટીની વખતે મારા નોમીનેશન ફોર્મ રદ કરવામાં આવ્યા છે. મારા વકીલ મારફતે મેં ચૂંટણી અધિકારી-ગુજરાતને 19મીના રોજ બપોરે રૂબરૂ નોટીસ બજાવી છે. આ નોટીસની નકલ ભારતીય ચૂંટણી પંચને મોકલી છે.
ઉમેદવારી પત્રમાં પણ કોઇ રૂલીંગ આપ્યું નથી
તેમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, મારું એકલાંનું જ નહીં બલ્કે અમારા પક્ષના અન્ય લોકોના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા છે. જે બિલકુલ અન્યાયપૂર્ણ છે. અપક્ષ ઉમેદવારી પત્રમાં પણ કોઇ રૂલીંગ આપ્યું નથી. તમારું નોમીનેશન રદ કરવામાં આવ્યું છે. તેટલું જ જણાવ્યું છે. મારી ચૂંટણી પંચ કમિશનને વિનંતી છે કે, વેજલપર મતક્ષેત્રના ચુંટણી અધિકારીને દૂર કરવામાં આવે અને તેમના સ્થાને અનુભવી ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવે. આ બેઠક પર અન્ય ત્રણ જણાંના પણ નોમીનેશન રદ કરવામાં આવ્યા છે. મેં બીટીપીનું મેન્ટેડ પણ રજૂ કર્યું હતું.

ચૂંટણી લડવાનો બંધારણીય અધિકાર
ગોવિંદભાઇ જાદવે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મેં ગઇકાલે રાજય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી. મને મારા ન્યાય માટે અને દેશના નાગરિક તરીકે ચૂંટણી લડવાનો બંધારણીય અધિકાર છે. મારા અધિકારને અન્ય પક્ષને લાભ કરાવવા માટે રદ કર્યું છે. તો હું તેની સામે બંધારણીય પગલાં લઇશ અને આ મહિલા ચૂંટણી અધિકારીને ચૂંટણી ફરજમાંથી દૂર કરે તે પ્રજાના હિતમાં છે. લોકશાહી અને ફ્રી અને ફેર ચૂંટણીના હિતમાં છે. હાઇકોર્ટમાં વિલંબ થતો હોવાથી હું કાનૂની જે પગલાં ભરવાના થશે તે ભરીશ.
બંને ઉમેદવારી પત્રો અમાન્ય ઠેરવ્યા
વેજલપુર વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી વિરલ આઇ. દેસાઇએ કરેલાં હુકમમાં જણાવ્યું છે કે, ઉમેદવાર ગોવિંદભાઇ રામજીભાઇ જાદવે તા.15-11-22, 16-11-2022 તથા 18-11-2022ના રોજ અત્રે રજૂ કરેલ સોંગદનામા પ્રાથમિક દ્દષ્ટિએ ક્ષતિગ્રસ્ત હોવાનું પુરવાર થાય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની 36ની જોગવાઇઓ મુજબ ગોવિંદભાઇ જાદવના ઉમેદવારી પત્ર સ્વીકારવા પાત્ર યોગ્ય જણાતું ન હોય, ઉમેદવારી પત્ર અસ્વીકાર કરવાપાત્ર થાય છે. જેથી ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ઉમેદવાર ગોવિંદભાઇ જાદવના બંને ઉમેદવારીપત્રોને અમાન્ય ઠેરવવા હુક્મ કરવામાં આવે છે.

આખરે ઉપરી અધિકારીની સમજાવટથી મામલો થાળે પડયો
વેજલપુર વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીમાં ઝૂંકાવનારા ગોવિંદભાઇ જાદવે દિવ્ય ભાસ્કરને એમ પણ કહ્યું હતું કે, મે બીટીપી તથા અપક્ષ ઉમેદવાર તરીકે નોમીનેશન ફોર્મ ભર્યું હતું. જેથી રીટર્નીંગ ઓફીસર દ્રારા બીજા નોમીનેશન ફીના 10 હજાર ભરવા કહ્યું હતું. તેની સામે મેં જણાવ્યું હતું કે, એક ઉમેદવાર ચાર નોમીનેશન ફોર્મ ભરી શકે છે. તેના માટે એક જ વખત ફી, ઓથ ( શપથ ) અને એફીડેવીટ એક જ કરવાની રહે છે. તે અંગે પણ મારી સાથે વિવાદ કર્યો હતો. આખરે મારા કહ્યાં બાદ તેણીએ ઉપરી અધિકારી સાથે વાત કરતાં સમજયાં હતા. અને મામલો થાળે પડયો હતો.
કોઇ તકરાર હોય તો હાઇકોર્ટમાં જવુ પડે- જિલ્લા ચૂંટણી અધિકારી
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા અમદાવાદ જિલ્લા કલેકટર ધવલ પટેલને આ ઇસ્યુ અંગે દિવ્ય ભાસ્કરે પૂછયું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, રિટર્નીંગ ઓફીસરે જે ઓર્ડર કર્યો હોય તેની સામે તેમને કોઇ તકરાર હોય તો તેમણે હાઇકોર્ટમાં જવું પડે.

16 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા
ભારતીય ચુંટણી પંચની વેબસાઇટમાં ગુજરાતની ચૂંટણીમાં એફીડેવીટ કેન્ડીડેટમાં વિધાનસભા મતક્ષેત્રની ચકાસણી કરતાં વેજલપુર મતક્ષેત્રમાં કુલ 45 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમાંથી 28 માન્ય તથા 16 અમાન્ય ઠર્યા હોવાની સાથોસાથ એક ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હોવાનું જણાવ્યું છે.