અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લઈને વિદ્યાપીઠની ગતિવિધિઓની જાતે માહિતી મેળવી હતી. રાજ્યપાલે વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત દરમિયાન વિદ્યાપીઠમાં વર્ગખંડો, છાત્રાવાસ, ભોજનાલય અને સ્વચ્છતા સંકુલોમાં જાતે જઈને માહિતી મેળવી હતી. ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગાંધીજીના સપનાંની શ્રેષ્ઠ વિદ્યાપીઠના નિર્માણ માટે સંચાલક મંડળ અને વિદ્યાર્થીઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે વિદ્યાપીઠમાં સ્વચ્છતાની જાળવણીએ સૌથી પહેલી આવશ્યકતા છે.
સંકુલની સફાઈ માટે અનુરોધ કર્યો
રાજ્યપાલે વર્ગખંડોમાં જઈને સ્વચ્છતાની જાળવણી અને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી. છાત્રાવાસમાં રહેતાં વિદ્યાર્થીઓના રૂમમાં પહોંચીને વિદ્યાર્થીઓ દ્વારા રૂમ અને છાત્રાવાસ સંકુલોની સફાઈ બાબતે જાત તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓએ સ્વયંશિસ્ત દાખવી રૂમની તેમજ સંકુલની સફાઈ માટે અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે અનુસ્નાતક છાત્રાવાસમાં જાજરૂ-બાથરૂમ આસપાસની ગંદકીને દૂર કરવા, દિવાલો ઉપરના બાવા- ઝાળાંને સાફ કરવા જાતે ઝાડું લગાવી કચરો એકઠો કર્યો હતો અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું.
સ્વચ્છતાને સૌથી પહેલી આવશ્યકતા ગણાવી
રાજ્યપાલે આ પ્રસંગે ભોજનાલયની પણ ઓચિંતી મુલાકાત લઈ અહીંની ભોજન વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલે વિદ્યાર્થી સંકુલની સ્વચ્છતાને સૌથી પહેલી આવશ્યકતા ગણાવી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે અનુશાસનનો આગ્રહ કર્યો હતો. રાજ્યપાલની વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી તેમજ કુલસચિવ નિખિલ ભટ્ટ પણ સાથે રહ્યા હતા.