Gujarat Election 2022: Big Debate On Bus જામનગરમાં રણમલ તળાવના કિનારે  ભાજપ- કોંગ્રેસે કર્યા જીતના દાવા

Gujarat Election 2022: ટીવીનાઈનની ઈલેક્શનવાળી બસ જામનગર પહોંચી ચૂકી છે. જેમાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના જામનગરમાં ભાજપ અને કોંગ્રેસે સામ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો. આર્થિક અનામત મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિત જામનગરના સ્થાનિક મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપ તરફથી વિજયસિંહ જેઠવા, કોંગ્રેસમાંથી વિરેન્દ્ર જાડેજા અને રાજકીય વિશ્લેષક હિરેન ત્રિવેદી જોડાયા હતા.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવે 07, 2022 | 11:10 p.m

જામનગરમાં રણમલ તળાવના કિનારેથી આર્થિક અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે આર્થિક અનામત 10 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે તેને લઈને ગુજરાતમાં આંદોલનનો એક ઈતિહાસ રહ્યો છે. આ મુદ્દાએ આંદોલનકારીઓને જન્મ આપ્યો છે તેવા ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દો કેટલો હોટ રહેશે તેને લઈને આજે ચર્ચા કરવામાં આવી. ચૂંટણી સમયે જે નવી જાહેરાતો થાય, પ્રજાને સ્પર્શતા નવા નિર્ણયો લેવાય તેની ક્યાંકને ક્યાંક ચૂંટણી પર અસર પડે છે. આજે સુપ્રીમ કોર્ટે આર્થિક અનામત મુદ્દે આપેલો ચુકાદો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. જે ગુજરાતના મતદાતાઓને પણ સ્પર્શી શકે છે, એ સંભાવના વચ્ચે આર્થિક અનામતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી.

જામનગરના સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ જનતાના પ્રશ્નો સુધી પહોંચ્યા છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં ચર્ચા માટે ભાજપ તરફથી વિજયસિંહ જેઠવા, કોંગ્રેસમાંથી વિરેન્દ્ર જાડેજા અને રાજકીય વિશ્લેષક હિરેન ત્રિવેદી જોડાયા હતા.

આગામી દિવસોમાં આર્થિક રીતે નબળા લોકો ભાજપની સાથે રહેવાના-વિજયસિંહ જેઠવા, ભાજપ

ભાજપના નેતા વિજયસિંહ જેઠવાએ જણાવ્યુ 10 ટકા આર્થિક અનામતનો મુદ્દાની ચૂંટણીમાં કોઈ અસર નહીં જોવા મળે. જે આર્થિક રીતે નબળા લોકો છે તેમને જ 10 ટકા અનામત આપવાની વાત છે બાકી OBC,SC, STની અનામત યથાવત છે. તેની ચૂંટણી પર કોઈ અસર નહીં જોવા મળે. આગામી દિવસોમાં આર્થિક રીતે નબળા લોકો ભાજપની સાથે રહેવાના છે અને ખોબલે ખોબલે મત આપવાના છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ભાજપ માત્ર વિકાસની રાજનીતિને લઈને ચાલે છે. માત્ર વિકાસના નામે વોટ માગે છે. ક્યારેય જ્ઞાતિજાતિમાં પડતી નથી. આગામી ચૂંટણીમાં પણ ભાજપ માત્ર વિકાસના નામ પર જ લોકોની વચ્ચે જઈશું અને લોકો પાસે વિકાસના કરેલા કામોના મતો માગવાના છીએ.

ગુજરાતમાં અનામતનો લાભ કોંગ્રેસની સરકારે આપ્યો છે- વિરેન્દ્ર જાડેજા-કોંગ્રેસ

પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાયદો કોંગ્રેસને થયો છે. તે મુદ્દા પર કોંગ્રેસના પ્રવક્તા વિરેન્દ્ર જાડેજાએ જણાવ્યુ કે જે કંઈ આંદોલન થાય તે સત્તાધારી પાર્ટી સામે થતા હોય છે. ભાજપ સામે આંદોલનો થયા. તેનો ફાયદો વિપક્ષને જ થતો હોય છે. સુપ્રીમ કોર્ટે 10 ટકા આર્થિક અનામત આપવાના નિર્ણયને યથાવત રાખ્યો છે તેના પર કોંગ્રેસના નેતાઓ કહ્યુ કે ગુજરાતની 32 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ગુજરાતમાં અનામતમાં મોટામાં મોટો ફાયદો માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસની સરકારે આપ્યો છે તો ગુજરાતમાં બેરોજગારી, રોજગારી અને મોંઘવારી પર અંકુશ લાવવામાં ભાજપ નિષ્ફળ નિવડી હોવાનું તેમણે જણાવ્યુ.

10 ટકા આર્થિક અનામતનો ચુકાદો 8-10 બેઠકોનું ગણિત બગાડશે-હિરેન ત્રિવેદી

10 ટકા આર્થિક અનામતની અસર આ ચૂંટણીમાં દેખાશે તે મુદ્દે રાજકીય વિશ્લેષક હિરેન ત્રિવેદીએ જણાવ્યુ કે આ ચુકાદાનો ચોક્કસપણે લાભ થશે. પરંતુ આદિવાસી બેઠકો પર મતોનુ ધ્રુવીકરણ જોવા મળશે. આ ચુકાદાથી નીચલા વર્ગના કચડાયેલા ગરીબ લોકોને ફાયદો થશે, યુવાનોને ફાયદો થશે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારને જે વોટબેંક ગણે છે તેમા ધાર્યા ન હોય તેવા ઉલટ સુલટ ફેરફાર ચોક્કસપણે જોવા મળશે. ગત ટર્મમાં આદિવાસી બેલ્ટની જે બેઠકો ટૂંકા માર્જિનથી જીત્યા હશે તે આ વખતે હારમાં પણ પરિણમી શકે છે અને કોઈક બેઠક જીતમાં પણ પલટાઈ શકે છે.

أحدث أقدم