Gujarat Election 2022: વડોદરામાં 86 વર્ષના વયોવૃદ્ધ ઈન્દ્રવદનભાઈ પરીખને ઘરે જઈ મામલતદારે પોસ્ટલ બેલેટ આપ્યુ છે. તેમના પત્ની માટે મતદાન કેન્દ્ર જવા માટે તંત્ર દ્વારા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે.

દર્દીને ઘરે જઈ પહોંચાડ્યુ મતદાન માટેનું 12D ફોર્મ
ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક વ્યક્તિ તેના મતાધિકારનો ઉપયોગ કરે તેના માતે તંત્ર જાગૃત બન્યુ છે. લોકશાહીના આ મહાપર્વમાં સૌથી વધુ મતદાન થાય તે જરૂરી છે. જેના માટે તંત્ર પણ પુરતી તૈયારીઓ કરી રહ્યુ છે. વડોદરામાં આલોક સોસાયટીમાં રહેતા 86 વર્ષના ઈન્દ્રવદનભાઈ પરીખ શ્વાસની બિમારીથી પીડાય છે. તેમને દર ત્રણ કલાકે ઓક્સિઝન લેવો પડે છે. આ વયોવૃદ્ધ નાગરિક તેમની બીમારીને પગલે ચૂંટણીમાં મતદાન મથકે જઈ મતદાન કરી શકે તેમ ન હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા તેમના ઘરે જઈને પોસ્ટલ બેલેટ પેપર આપવામાં આવ્યુ હતુ.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: બીમાર ઈન્દ્રવદનભાઈના ઘરે પહોંચ્યા મામલતદાર
મામલતદાર કૃતિકા વસાવા પોતે સવારે આલોક સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 86 વર્ષીય ઇન્દ્રવદનભાઇ પરીખના ક્ષેમકુશળ પૂછ્યા હતા. આ વયોવૃદ્ધ મતદારને ચાલવામાં ભારે યત્ન કરવો પડે છે. વળી, દર ત્રણ કલાકે કૃત્રિમ ઓક્સીજનનો સહારો લેવો પડે છે. આવી સ્થિતિમાં તેઓ મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નહોતા.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મામલતદારે વયોવૃદ્ધના ઘરે જઈ ફોર્મ 12-D પહોંચાડ્યુ
આ બાબતને ધ્યાને રાખીને મામલતદાર કૃતિ વસાવાએ તેમને ફોર્મ 12ડી આપી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સરળતા કરી આપી હતી. આ વખતે 80 વર્ષથી ઉપરના મતદારો અને દિવ્યાંગોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇન્દ્રવદનભાઇના પત્ની જમનીબેન પરીખ પણ 78 વર્ષના છે. જો કે, કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબના માપદંડોમાં તેમનો સમાવેશ ના થતો હોવાથી મતદાન મથકે પહોંચવા તેમના માટે સહાયકની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: લોકશાહીના મહાપર્વમાં વધુ મતદાન થાય તેના માટે તંત્ર ખડેપગે
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં વડોદરાની દસેય બેઠકો ઉપર મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસર કેમ્પેઇનના નોડેલ અધિકારી ડૉ. બી. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. એક પણ મતદાર રહી ના જાય એવા કેન્દ્રીય ચૂંટણી પંચના ઉદ્દેશને સાકાર કરવા સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.