એક તરફ ભાજપ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે. બીજી તરફ સી આર પાટીલની આ સરપ્રાઈઝ મુલાકાતને પગલે રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : બોટાદમાં અચાનક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાતને લઇ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સી.આર.પાટીલ અચાનક બોટાદની મુલાકાતે પહોંચ્યાં હતા અને જિલ્લા ભાજપના પદાધિકારી અને આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી સાળંગપુર રોડ પર આવેલી ખાનગી હોટલમાં બેઠક યોજી મહત્વની ચર્ચા કરી હતી. ભાજપ કાર્યકરો સાથે બેઠક રદ કરી આગેવાનો સાથે પાટીલે બેઠક કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.
પાટીલની અચાનક મુલાકાતથી અનેક તર્કવિતર્ક
એક તરફ ભાજપે પ્રચંડ પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. તો બીજી તરફ ઉમેદવારો પણ ડોર-ટુ- ડોર પ્રચાર થકી મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે ક્યાંક નેતાઓએ જનતાના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યાંક ભાજપના નેતાઓ કોંગ્રેસનો પણ પ્રચાર કરતા પણ જોવા મળ્યા છે. જેને પગલે પાટણ સિદ્ધપુર ભાજપના 5 નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાલુકા ઉપપ્રમુખ , શહેર તાલુકા મહામંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી માહોલ વચ્ચે હવે ભાજપ પ્રદેશ પ્રમુખે અચાનક બોટાદમાં ભાજપના પદાધિકારો સાથે મુલાકાત કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે.