Gujarat Election: ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા ગુજરાતમાં સી.આર.પાટિલ અને ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક

હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ઉમેદવારો માટે ભાજપની અંતિમ કવાયત ચાલી રહી છે. ઉમેદવારોના નામો પર અંતિમ મહોર આજે સાંજે દિલ્હીમાં લાગશે. તે પહેલા ગુજરાતમાં પણ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

નવે 09, 2022 | 3:54 p.m

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે ભાજપની અંતિમ કવાયત ચાલી રહી છે. ઉમેદવારોના નામો પર અંતિમ મહોર આજે સાંજે દિલ્હીમાં લાગશે. તે પહેલા ગુજરાતમાં પણ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે.

સી.આર.પાટીલના નિવાસસ્થાને પર મળી બેઠક

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સાંજે 6.30 કલાકે દિલ્લીના કમલમ ખાતે થવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્લી જવાના છે. દિલ્હી ખાતે ભાજપની આ બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામની પસંદગી થશે. જો કે તે પહેલા ગુજરાતમાં ભાજપની બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ છે. આ બેઠકનું આયોજન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આવાસ પર કરવામાં આવ્યું હતું.

આજે સાંજે દિલ્હીમાં ભાજપની પાર્લામેટ્રી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામની પસંદગી થશે. બેઠક પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી શકે છે. એટલે કે મોડી રાત સુધીમાં ભાજપ પહેલી યાદી જાહેર કરી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ની 89 બેઠકોનું લિસ્ટ ભાજપ દ્વારા મોડી રાત સુધીમાં જાહેર કરાશે.