મહેસાણા22 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઇ રહી છે. પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ગાંધીનગરની ગાદી માટે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. પોતાની જીતના પુરા આત્મવિશ્વાસથી નેતાઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે વિસનગર બેઠકના કોંગી ઉમેદવાર કિરીટ પટેલ ચર્ચામાં આવ્યા છે. કિરીટ પટેલે મતદાન અને રિઝલ્ટ પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા પર MLA લખી દીધું છે. જોકે, આ એકાઉન્ટ તેમનું જ છે કે કોઇએ ફેક બનાવીને મજાક ઉડાવી છે તે જાણવા દિવ્ય ભાસ્કરે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ હતો. જોકે, તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

મતદાન પહેલાં જ MLA લખી દીધું
મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી જીતના દવાઓ કરી રહી છે. ત્યારે વિસનગર વિધાનસભા બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે. જેમાં કોણ બાજી મારશે એ તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે. વિસનગરમાં હાલમાં ચાલુ ધારાસભ્ય ભાજપના ઋષિકેશ પટેલ છે, છતાં કોંગ્રેસના ઉમેદવારે તેમના ઈન્સ્ટાગ્રામ પર MLA કિરીટ પટેલ લખી દેતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

કિરીટ પટેલે ફોન ઉપાડવાનું ટાળ્યું
આ એકાઉન્ટમાં 17 નવેમ્બરે કિરીટ પટેલનો ફોટો પણ અપલોડ કરાયો છે. જેમાં કેપ્સનમાં લખ્યું છે કે, ‘વિસનગર 22 વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ કોંગ્રેસ પક્ષ અને જનતાનો આભાર’ આ એકાઉન્ટમાં 66 જેટલા ફોલોવર્સ રહ્યા છે. આ એકાઉન્ટ કોણે બનાવ્યું એ હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે કિરીટ પટેલને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.