Thursday, December 1, 2022

આણંદ જિલ્લાના 1 હજારથી વધુ બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે ફરીને મતદાર ઓળખ કાપલીઓનું વિતરણ કરાયું | More than 1 thousand BLOs of Anand district. Voter ID cards were distributed door to door

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા, રાષ્ટ્રીય માળખું છે. જે સંસદ, વિધાનસભા, રાજ્યસભા જેવી ચૂંટણીઓ તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવાનું ખૂબ મહત્ત્વનું કામ કરે છે. આ માળખાની ટોચ પર સ્વાભાવિક રીતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર છે. પણ એનો પાયાનો કર્મયોગી કોણ છે એ જાણો છો ?

ચૂંટણી પંચ અને ચૂંટણી તંત્રને મતદાર સાથે જોડતી કડી
જો તમારો જવાબ ‘ના’ હોય તો જાણી લો કે આ માળખાનો પાયાનો કર્મયોગી બુથ લેવલ ઓફિસર – બી.એલ.ઓ છે. જે ચૂંટણી પંચ કે ચૂંટણી તંત્રને મતદાર સાથે જોડવાનું અગત્યનું કામ કરે છે. બહુધા શિક્ષકોને મતદાન મથક કક્ષાના આ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે પોતાની સરકારી ફરજોની સાથે વખતો વખત ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી અને ચૂંટણી વિષયક સોંપવામાં આવતી વિવિધ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે. પ્રત્યેક મતદાન મથક માટે એક બી.એલ.ઓ. નીમવામાં આવે છે, તે મુજબ હાલમાં આણંદ જિલ્લામાં 1 હજાર 810 જેટલા બુથ લેવલ ઓફિસર કાર્યરત છે.

હાલમાં આ બી.એલ.ઓ. શું કરી રહ્યાં છે ?
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ.ની ફરજ બજાવતા રાકેશ પટેલ ખડોલ (હળદરી), હિતેષ પટેલ, કોમલ પરમાર, ક્રિસ્ટોફર ડાભી, ચેતન પટેલ, મયુર પટેલ, કાળા પંચાલ, લક્ષ્મણસિંહ ઠાકોર, અલ્પેશ મેકવાન, ઉર્જાબેન પટેલ, હાર્દિક વૈદ્ય, અતુલ પરમાર, હંસાબેન મકવાણા, શહેનાઝબેન, કલ્પનાબેન અને રચનાબેન સહિતના બી.એલ.ઓ. તરીકે નિયુક્ત કર્મયોગી કર્મચારીઓ તેમના મતદાન મથક હેઠળ આવતા મતદારોના ઘરે-ઘરે જઈને મતદાર ઓળખ કાપલીઓ એટલે કે voter’s slips ના વિતરણની ખૂબ પરિશ્રમી કામગીરી કરી છે

ઓળખ કાપલી પહોંચાડતા હોય છે
મહત્ત્વનું છે કે, 1 બી.એલ.ઓ. એ તેના વિસ્તારમાં મતદારોની સંખ્યા પ્રમાણે અંદાજે 300થી 400 ઘરોની મુલાકાત લઈને મતદારોને તેમની ઓળખ કાપલી પહોંચાડવાની હોય છે. એક ઘરમાં એક કે તેથી વધુ મતદારો હોય છે. એ પ્રમાણે આ લોકો મતદારોના ઘરોની મુલાકાત લઈ તેમને સમય મર્યાદામાં ઓળખ કાપલી પહોંચાડતા હોય છે.

જહેમતભર્યું કામ બખૂબી નિભાવ્યું છે
મતદારોની કાપલીઓ મતદાનની તારીખ પહેલા એટલે કે, તા. 5મી ડિસેમ્બર પહેલા સમયસર પહોંચાડવાની હોવાથી દરેક ઘરમાં મતદારની સંખ્યા પ્રમાણે ફોટાવાળી મતદાર ઓળખ કાપલીઓ આપી, તેઓ તેમની પાસેની યાદી પર ઘરના સદસ્યની સહી પણ તકેદારી રૂપે લઈને આ જહેમતભર્યું કામ બખૂબી નિભાવ્યું છે.

શું હોય છે આ મતદાર ફોટો ઓળખ કાપલીમાં?
આ કાપલી મતદાર માટે મતદાન સરળ બનાવે છે. તો મતદાન મથકના કર્મચારીઓનું કામ હળવું કરીને મતદાન પ્રક્રિયાને ઝડપી અને સુવિધાજનક બનાવે છે. ચૂંટણી સમયે મતદારની સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે, મારે મતદાન કરવા ક્યાં જવાનું છે? તેના ઉકેલરૂપે આ કાપલીમાં મતદાન મથકનું સરનામું લખેલું હોય છે. તેમાં વિધાનસભા વિસ્તારનું નામ, મતદારનું નામ, પુરુષ, સ્ત્રી કે અન્ય, મતદાર યાદીનો ભાગ નંબર, મતદાર યાદીમાં એ મતદારનો ક્રમાંક, મતદાર જો ફોટો ઓળખ પત્ર ધરાવતા હોય તો એનો ક્રમાંક, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબ સાઈટનું એડ્રેસ, સી.ઈ.ઓ. કોલ સેન્ટરનો, હેલ્પ લાઇનનો ટોલ ફ્રી સંપર્ક નંબર, મતદાનની તારીખ, સમય જેવી ખૂબ ઉપયોગી વિગતો હોય છે. એટલે આ કાપલીથી મતદારોને ક્યાં મતદાન કરવાનું છે તે અને મતદાન મથકના કર્મચારીઓને જે તે મતદારની જરૂરી વિગતો સરળતાથી મળી રહેતા મતદાન સરળ અને ઝડપી બને છે.

આ કાપલી ઓળખના પુરાવા તરીકે માન્ય નથી
મતદાર જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાન મથકે પોતાની ઓળખના પુરાવા તરીકે ચૂંટણી પંચે આપેલું મતદાર ફોટો ઓળખ પત્ર અથવા માન્ય વૈકલ્પિક ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી છે. આ મતદાર ઓળખ કાપલીમાં મતદારના ફોટા સહિત જરૂરી વિગતો હોય છે પણ એ ઓળખના પુરાવાનો વિકલ્પ બનતો નથી, એ યાદ રાખવું જરૂરી છે. એટલે મતદારે મતદાનમાં સરળતા માટે આ કાપલી લઈને જવું જોઈએ અને તેની સાથે પોતાનું ફોટાવાળું મતદાર ઓળખ પત્ર અથવા માન્ય દસ્તાવેજ સાથે અવશ્ય રાખવો જોઈએ.

મતદારોએ ભૂલ્યા વગર મતદાન કરવું જોઇએ
આ અંગે નાપા તળપદના અગ્રણી સામાજિક કાર્યકર પિયુષ પટેલે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીને સફળ બનાવવા બી.એલ.ઓ.થી શરૂ કરીને સમગ્ર તંત્ર મહિનાઓ સુધી રાત દિવસ કામ કરે છે. તેમની આ મહેનતને પ્રત્યેક મતદાર અચૂક મતદાન કરીને સફળ બનાવી શકે છે. એટલે પ્રત્યેક મતદાર ભૂલ્યા વગર આગામી તા.5 મી ડિસેમ્બરના રોજ મતદાન કરે એ ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: