વડોદરા29 મિનિટ પહેલા
વડોદરા જિલ્લામાં કુલ 26 લાખ મતદારો આજે વડોદરા જિલ્લાના 10 બેઠકો પર 72 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરશે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર 13,33,251 પુરૂષ, 12,72,996 મહિલા અને 226 ત્રીજી જાતિના મતદારો સહિત કુલ 26,06,473 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા શહેર જિલ્લામાં 18થી 19 વર્ષની વયના 47343, 20થી 29 વર્ષની વયના 4,72,489 કુલ 5,19,832 યુવા મતદારો અને 80 વર્ષથી વધુ વય ધરાવતા 62584 મતદારો નોંધાયા છે.
વડોદરા જિલ્લામાં 1393 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને 1197 ગ્રામ્ય મતદાન મથકો સહિત કુલ 2590 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. 1330 મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લામાં 10 મોડલ મતદાન મથકો, 10 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 10 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 70 સખી મતદાન મથકો, 1 યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં 3924 BU,3924 CU અને 5367 VVPATનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન માટે કુલ 21,735 પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકોની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 80 પોલીસ અધિકારીઓ, 1860 પોલીસ જવાન, કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની 30 કંપની, એસ આર.પી.ના 3 સેકશન સહિત કુલ 5745 સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. વડોદરા શહેરની પણ 5 બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉદ્યોગો-ધંધાના કામદારો સહિત અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સવેતન રજા આપવામાં આવી છે. સગર્ભાઓ,મહિલાઓ, 80+ વયોવૃદ્ધ, દિવ્યાંગ મતદારોને મતદાન માટે અગ્રતા અપાશે. દરેક મતદાન મથક ખાતે મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત છે. વડોદરા જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષ ટોલ ફ્રી નંબર 1800 2333 038 શરૂ કરવામાં આવ્યો છે.

હઠીલા યોગશ ‘કાકા’ અને મેયરની બેઠક પર નજર
વડોદરા શહેરની માંજલપુર બેઠક પર સિટીંગ ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લી ઘડીએ ટિકિટ મેળવીને ટિકિટ લડી રહ્યા છે, આઠમી ટર્મમાં ‘કાકા’ જીતીને ફરી ધારાસભ્ય બનશે કે નહીં તેની પર સૌ-કોઈની નજર છે. આ ઉપરાંત સયાજીગંજ બેઠક પર વડોદરા શહેરના વર્તમાન મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. અકોટા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ અને કોંગ્રેસના ઋત્વિજ જોષી વચ્ચે જંગ છે. રાવપુરા બેઠક પર બાળકૃષ્ણ શુક્લ અને સંજય પટેલ વચ્ચે ખાસ ટક્કર જોવા મળી રહી નથી. છેલ્લે વડોદરા શહેર બેઠક પર રાજ્યકક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર મનિષા વકીલ અને કોંગ્રેસના ઉમદવાર ગુણવંતરાય પરમાર લડી રહ્યા છે.

વડોદરા ગ્રામ્યમાં અપક્ષો પર ખાસ નજર
ભાજપને સમર્પિત ગણાતી વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકીની 3 બેઠકો પર ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે. વાઘોડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તો પાદરા બેઠક પરસ દિનેશ પટેલ(દિનુ મામા) ભાજપમાંથી રાજીનામુ આપીને ચૂંટણી લડી રહ્યા છે. તો ડભોઈ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આમ વડોદરા જિલ્લામાં ભાજપ સામે ભાજપના જ પૂર્વ નેતાઓ ભારે પડી રહ્યા છે. આ ત્રણેય બેઠકો પર સૌ-કોઈની નજર છે.







