Thursday, December 1, 2022

વડોદરાના જરોદ પોલીસે અમુલ દૂધની વાનમાંથી 101 પેટી દારુ પકડ્યો, જિલ્લાના એક ઉમેદવારનો દારુ હોવાની વ્યાપક ચર્ચા | Vadodara's Jarod police seize 101 cartons of liquor from Amul milk van, wide talk of a candidate in the district having liquor

વડોદરા9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • જરોદમાંથી દારુનો જથ્થો ઝડપાતા ચકચાર
  • કયા ઉમેદવારનો દારુ હતો ? લોકોમાં જાણવાની ઉત્સુકતા
  • જરોદનો વિક્રમસિંહ રણા વોન્ટેડ, ડ્રાઇવર મહેન્દ્ર ઝડપાયો

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. ચૂંટણી પ્રચાર તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આદર્શ ચૂંટણી આચાર સંહિતાના નિયમ મુજબ બે દિવસ બાદ ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે. ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ મતદારોને ખૂશ કરવા દારુ તેમજ ભેટ સોગાદો આપી મતદારોને આકર્ષવાના પ્રયાસો શરૂ થશે. ત્યારે વડોદરા જિલ્લાની બહુચર્ચીત બેઠક વાઘોડિયાના જરોદ ટાઉનમાંથી અમુલ દૂધની વાનમાંથી જરોદ પોલીસે ભારતીય બનાવટની 101 દારુની પેટીઓ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. આ દારુનો જથ્થો જિલ્લાના એક ઉમેદવારે મંગાવ્યો આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ દારુનો જથ્થો કયા ઉમેદવારનો હતો તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. આ દારુનો જથ્થો જરોદનો વિક્રમસિંહ રણાની માલિકીના ટેમ્પોમાંથી મળી આવ્યો હતો.

દારુ વિના ચૂંટણી અશક્ય
ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે. સામાન્ય દિવસોમાં કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે અને કરોડો રૂપિયાનો દારુ પકડાય પણ છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી દારુ વિના પૂરી થવી અશક્ય છે. ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારો દ્વારા મતદાનની પૂર્વ રાત સુધી દારુ અને ભેટ સોગાદો આપવાનું શરૂ કરવામાં આવતું હોય છે. ત્યારે મોટા ભાગના ઉમેદવારો કાર્યકરો અને મતદારો માટે દારુનો જથ્થો મંગાવવામાં આવતો હોય છે. વડોદરા જિલ્લાના કેટલાંક ઉમેદવારો દ્વારા ચૂંટણીના બે દિવસ પૂર્વે દારુની રેલમછેલ કરવા દારુનો જથ્થો મંગાવી દેવામાં આવ્યો હોવાનું બુટલેગર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

બાતમીના આધારે દારુ પકડાયો
જરોદના પી.આઇ. એમ.સી. પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, જરોદ ટાઉનમાં અમુલ દૂધના ટેમ્પોમાંથી રૂપિયા 2.80 લાખની કિંમતનો ભારતીય બનાવટનો 101 પેટી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. દારુના આ જથ્થા સાથે ટેમ્પો ચાલક મહેન્દ્ર (રહે. જરોદ)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટેમ્પોના માલિક વિક્રમસિંહ રણાને (રહે. જરોદ)ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. વિક્રમસિંહ રણા ઝડપાયા બાદ આ દારુ ક્યાંથી લાવ્યો હતો. અને કોણે પહોંચતો કરવાનો હતો. તે અંગેની માહિતી બહાર આવશે. રૂપિયા 2.80 લાખની કિંમતનો દારુ તથા રૂપિયા 5 લાખની દૂધની વાન મળી કુલ્લે રૂપિયા 7.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કયા ઉમેદવારે દારુ મંગાવ્યો ?
ઉલ્લેખનિય છે કે, છેલ્લે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરોદ પાસેથી રૂપિયા 59 લાખ ઉપરાંતનો ગાંધીધામ લઇ જવાતો દારુનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે બાદ વડોદરા જિલ્લામાં નાના-મોટા દારુ પકડવાના કેસ થઇ રહ્યા હતા. દરમિયાન વાઘોડીયા તાલુકાની જરોદ પોલીસે માહિતીના આધારે જરોદમાં લાવવામાં આવેલો 101 પેટી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારુનો જથ્થો વડોદરા જિલ્લાના એક ઉમેદવાર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ ઉમેદવાર કોણ છે તે માહિતી ફરાર જરોદનો વિક્રમસિંહ રણા ઝડપાયા બાદ બહાર આવશે. જોકે, હાલ જરોદ તેમજ વાઘોડિયા તાલુકાના લોકો ઉમેદવારનું નામ જાણવા માટે ભારે ઉત્સુક હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: