અમદાવાદ27 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
- 2 નાયબ વડાપ્રધાન તથા 3 મુખ્યમંત્રી પણ શહેરમાંથી બન્યા
- વાજપેયી 1996માં ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા
અમદાવાદે દેશને 2 વડાપ્રધાન, 2 નાયબ વડાપ્રધાન, 1 ગૃહમંત્રી, 1 નાણાંમંત્રી તથા ગુજરાતને 3 મુખ્યમંત્રી આપ્યા છે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર પટેલે 1917માં દરિયાપુરની પેટા ચૂંટણીમાં એક મતે વિજય મેળવી સક્રિય જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું. આઝાદીના દિવસે તેઓ પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી બન્યા હતા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા હતા. તે સમયે અમદાવાદનો ઘણો વિસ્તાર ગાંધીનગરમાં આવતો હતો.ગાંધીનગરમાંથી લોકસભા ચૂંટણી લડનારા એલકે અડવાણી, વાજપાઈ સરકારમાં નાયબ વડાપ્રધાન હતા. 1975-92 સુધી કોર્પોરેટર હરિન પાઠકને 1989માં સીધી લોકસભા ચૂંટણીની ભાજપે ટિકિટ આપી હતી. 2001થી 2003 સુધી તેઓ રાજ્યકક્ષાના સંરક્ષણમંત્રી રહ્યા હતા.
મોદી 13 વર્ષ સીએમ અને આઠ વર્ષથી પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વાર અમદાવાદ (મણિનગર)થી ચૂંટણી લડ્યા હતા. 2001થી 2014 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા બાદ 2014માં લોકસભાની ચૂંટણી માટે તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી વડોદરા અને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી, દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા.
શાહને પહેલી ટર્મમાં જ ગૃહપ્રધાનનું પદ
અમિત શાહ સરખેજથી 1997, 1998, 2002 અને 2007માં ચૂંટણી લડ્યા હતા, ત્યાર બાદ ભાજપે 2012માં નારણપુરાથી ટિકિટ આપી. 2019માં લોકસભાની ચૂંટણીમાં તેઓ પહેલીવાર ગાંધીનગરથી ચૂંટણી લડ્યા અને મોદીની બીજી ટર્મમાં તેમને કેન્દ્રીય ગૃહમંત્રીનું પદ મળ્યું હતું.
કોંગ્રેસના મગન બારોટ નાણામંત્રી રહ્યા હતા
ઈન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં ત્યારે 1980માં કોંગ્રેસના સિનિયર આગેવાન મગન બારોટને નાણામંત્રી બનાવ્યા હતા. અત્યાર સુધી અમદાવાદથી ચૂંટણી લડેલા કોંગ્રેસના એક માત્ર મગન બારોટ કેન્દ્રમાં મંત્રી બની શક્યા હતા.
રાજ્યને 3 મુખ્યમંત્રી અમદાવાદે આપ્યા
2001માં કેશુભાઈ પટેલને નરેન્દ્ર મોદીએ રિપ્લેસ કર્યા હતા. સૌપ્રથમ તેઓ રાજકોટ-2થી ચૂંટણી લડ્યા, ત્યાર બાદ બે વખત મણિનગરથી જીત્યા. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવાયાં. હાલ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી બીજી વાર જીત્યા છે.