સુરેન્દ્રનગર42 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટડીના ખારાઘોડાના નવાગામ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેના કેસમાં ભોગ બનનાર, તપાસ અધિકારીની જુબાની અને સરકારી વકીલની દલીલને લઈને ધ્રાંગધ્રા એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને ભોગ બનનારને રૂ.6 લાખનું વળતર ચૂકવાનો આદેશ કરતાં ચકચાર ફેલાઇ હતી.
પાટડી તાલુકાના ખારાઘોડાના નવાગામ વિસ્તારમાં સગીરાને લલચાવી પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ કર્યાની આરોપી સામે પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.આરોપી સામે ચાર્જશિટ બાદ ધ્રાંગધ્રા એડિશનલ કોર્ટમાં કેસ ચાલતાં તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા સોગંદનામું, ફરિયાદની નકલ, ફરિયાદી અને ભોગ બનનારની જુબાની, ડોક્ટરની જુબાની, એફએસએલનો રિપોર્ટ અને સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો અને રજૂ કરાયેલા જુદા જુદા કેસના જજમેન્ટને ધ્યાનમાં લઈને ધ્રાંગધ્રા એડિશનલ સેસન્સ કોર્ટના ન્યાયાધીશ જે.ડી. પાસીએ આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત ભોગ બનનારને સરકાર દ્વારા રૂ.6 લાખનું વળતર ચૂકવવામાં આવે તેવો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.