ગાંધીનગર11 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ચ ટાઇપના જર્જરિત મકાનની છતના પોપડા પડ્યા
હજારો રૂપિયાના ખર્ચે સરકારી મકાનોનું રિપેરીંગ કરવા છતાં પોપડા બનવાની ઘટના ચાલુ જ રહેતા રિપેરીંગને લઇને લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગત શનિવારે સેક્ટર-29ના ચ ટાઇપના એક મકાનની છતનો પોપડો પડ્યો હતો. જોકે મહિલાનો આબાદ બચાવ થયો હતો.
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી કરતા કર્મચારીઓના માટે સરકારી મકાનો બનાવીને રહેવા માટે ભાડે આપ્યા હતા. જોકે સરકારી મકાનો બનાવ્યાને ચાર દાયકાથી વધુનો સમય થયો હોવાથી હાલમાં મકાનોની હાલત જર્જરીત બની ગઇ છે. જેને પરિણામે સરકારી મકાનોની દિવાલ કે છત ઉપરથી પોપડા કે સિંલીંગ તૂટી જવાના બનાવો બની રહ્યા છે.
જોકે સરકારી મકાનોની જર્જરીત હાલતને પગલે સાતેક વર્ષ અગાઉ હજારો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન કરવામાં આવતા મકાનોમાંથી પોપડા નહી પડે તેવી રાહત સરકારી મકાનોમાં રહેતા કર્મચારીઓના મનમાં હતી. જોકે સરકારી કર્મચારીઓની આ રાહત મૃગજળ સમાન પુરવાર થઇ રહી છે. તેમ નગરના સેક્ટરોમાં આવેલા સરકારી મકાનોમાંથી પડતા પોપડા પરથી લાગી રહ્યું છે. ત્યારે નગરના સેક્ટર-29માં આવેલા ચ ટાઇપના મકાન નંબર 258માં છતમાંથી ગત શનિવારની રાત્રે પોપડો પડ્યો હતો.
જોકે પોપડો પડ્યો ત્યારે મકાનમાં રહેતા પરિવારની ગૃહિણીનો આબાદ બચાવ થયો હતો. પોપડો પડ્યો રાત્રી દરમિયાન પડ્યો હોવાથી પરિવારના કોઇ સભ્યોને ઇજા થવા પામી નથી. જો સવારે પડ્યો હોય તો કામ કરતી ગૃહિણી કે ઘરના અન્ય સભ્યોને ઇજા થવાની પૂરે પૂરી સંભાવના હતી.
આથી સરકારી મકાનોનું રિપેરીંગ કરવા છતાં પોપડા પડવાની ઘટનાને પગલે રિપેરીંગ ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે જર્જરીત થયેલા સરકારી મકાનોનું યોગ્ય રીતે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ નગરવાસીઓમાં ઉઠવા પામી છે.